ગુજરાતનાં વાહન વ્યવહાર વિભાગે એક મોટો ફેરફાર કરીને નંબર પ્લેટ વિનાનાં વાહનો પર તવાઇ બોલાવવાનું નક્કી કર્યું છે. તારીખ 1લી જુલાઇથી નંબર પ્લેટ વિનાનાં વાહનોમાં ભારે રકમનો દંડ ફટકારવામાં આવી શકે છે. નવા નિયમ પ્રમાણે હવે એપ્લાઇડ ફોર રજીસ્ટ્રેશન લખેલા સ્ટીકર પણ ચાલશે નહીં. વાહન ચાલકો પસંદગીનો નંબર ન આવે ત્યાં સુધી વિના નંબર પ્લેટ વાહન ચલાવતા જોવા મળે છે. પરંતુ આવતા મહિનાથી આ સિસ્ટમ બંધ થઇ રહી છે. જો કોઇ વાહન નંબર પ્લેટ સાથે કે ટેમ્પરરી નંબર સાથે માર્ગો પર ફરતા હશે તો વાહન વ્યવહારનાં અધિનિયમ પ્રમાણે તેનો દંડ ભરવાનો રહેશે. જો કે જુલાઇનાં પ્રથમ સપ્તાહ પહેલાં કોઇ વાહનની ડિલિવરી થઇ હશે તો તેને છૂટ આપવામાં આવશે.
તારીખ 1લી જુલાઇ પછી જો કોઇ વાહન નંબર પ્લેટ વિનાનું ધ્યાનમાં આવશે તો તેનો દંડ ભરવો પડશે. નવો નિયમ લાગુ થતાં 15 દિવસનો સમય લાગી શકે તેમ છે. વિભાગનાં ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું કે, નવો નિયમ ટુ-વ્હિલર, થ્રી વ્હિલર, કાર, માલ-સામાનના વાહનો, ટ્રેક્ટર અને અન્ય વાહનોને લાગુ પડશે. આ પ્રકારના વાહનોને આર.ટી.ઓ.માં ફિઝિકલ વેરિફિકેશનની જરૂર રહેશે નહીં. એક વખત વાહનનાં પેપર અપલોડ થતાં નંબર જાહેર કરવામાં આવશે અને શો-રૂમનાં ડિલરે વાહન ચાલકને નંબર પ્લેટ ફીટ કરી આપવાની રહેશે. નવા નિયમ પ્રમાણેની નંબર પ્લેટ જે તે ડિલર વાહન ચાલકને લગાવી આપશે. વિભાગે અગાઉ આવો નિયમ બનાવ્યો હતો. પરંતુ વાહન ચાલકો નંબર પ્લેટ માટે આર.ટી.ઓ. કચેરીઓ જતા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500