Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન જયપુર પહોંચ્યા, રાજસ્થાનના રાજ્યપાલ, મુખ્યમંત્રી અને વિદેશ મંત્રીએ તેમનું સ્વાગત કર્યું

  • January 25, 2024 

ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન જયપુર પહોંચી ગયા છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી ભજનલાલ શર્મા અને વિદેશ મંત્રી એસ જયશંકરે તેમનું સ્વાગત કર્યું હતું. ફ્રાંસ પ્રમુખની મુલાકાતને લઈને શહેરમાં કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, આ વખતે ઈમાન્યુઅલ મેક્રોન ભારતના પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મુખ્ય અતિથિ છે. ફ્રાંસના પ્રમુખ જયપુરમાં લગભગ 6 કલાક રોકાશે, ત્યારબાદ રાત્રે 8.50 કલાકે દિલ્હી જવા રવાના થશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જયપુર પહોંચી ગયા છે. રાજસ્થાનના રાજ્યપાલ કલરાજ મિશ્રા, મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ તેમનું સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઈમાન્યુઅલ મેક્રોન જયપુરમાં પહેલા રોડ શો કરશે અને પછી સાંજે બેઠક કરશે.



ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોનના જયપુર આગમન પર ભાજપના નેતા સ્વામી બાલમુકુન્દ આચાર્યએ કહ્યું હતું કે, ‘ભવ્ય રામોત્સવ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન જયપુર આવી રહ્યા છે. અમને ખુશી છે કે હવામહલ વિધાનસભા મતવિસ્તારમાં વડાપ્રધાન મોદીની યજમાની કરવાની તક મળી.’ જયપુર પહોંચ્યા બાદ ફ્રાંસના પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન આમેર ફોર્ટ પહોંચ્યા છે. તેમનું સ્વાગત ભારતીય પરંપરાગત રીતે કરવામાં આવ્યું હતું અને ત્યાં હાજર શાળાના વિદ્યાર્થીઓને મળ્યા હતા. તેમની સાથે વિદેશ મંત્રી એસ જયશંકર પણ હાજર છે. આ મુલાકાત દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ફ્રાંસ પ્રમુખ ઈમાન્યુઅલ મેક્રોન વચ્ચે હિન્દ-પેસિફિક ક્ષેત્રમાં સમુદ્રી સહયોગ વધારવા, રેડ સીમાં સંકટની સ્થિતિ, ઈઝરાયલ-હમાસ વચ્ચેના યુદ્ધ તથા યુક્રેન-રશિયા વચ્ચેના સંઘર્ષ વિશે ચર્ચા કરવામાં આવી શકે છે. બંને ટોચના નેતાઓ જંતર-મંતરથી સાંગાનેરી ગેટ સુધી એક સંયુક્ત રોડ શૉ પણ કરશે અને હવા મહેલ ખાતે રોકાશે.



અહીં એક ફોટો સેશન થશે. ત્યારબાદ બંને નેતાઓ ઐતિહાસિક આલ્બર્ટ હોલ મ્યુઝિયમની મુલાકાત લઈ શકે છે. દિવસના અંતે રામબાગ પેલેસમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી મેક્રોન માટે એક પર્સનલ ડીનરની મેજબાની કરશે. દિલ્હીમાં મેક્રોન કર્તવ્ય પથ પર આયોજિત પ્રજાસત્તાક દિવસની પરેડમાં મુખ્ય અતિથિ તરીકે જોડાશે. ફ્રાન્સની સૈન્ય ટુકડી પણ આ પ્રજાસત્તાક પરેડમાં ભાગ લઈ રહી છે. આ સાથે ફ્રાન્સની વાયુસેનાના બે રાફેલ ફાઈટર જેટ અને એક એરબસ A330 મલ્ટી રોલ ટેન્કર પરિવહન વિમાન પણ સમારોહમાં ભાગ લેશે. મેક્રોન પ્રજાસત્તાક દિવસ સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ભાગ લેનારા છઠ્ઠાં ફ્રેન્ચ નેતા હશે. તેમની આ મુલાકાત દરમિયાન બંને દેશો વચ્ચે ડિફેન્સ તથા વ્યૂહાત્મક ક્ષેત્રોમાં અનેક ડીલ થવાની શક્યતા છે. રાજસ્થાન દેશનું જાણીતું પર્યટન સ્થળ છે અને અહીં દર વર્ષે લગભગ 40 લાખ વિદેશી પ્રવાસીઓ આવે છે જેમાં સૌથી વધુ અમેરિકાથી આવે છે અને બીજા ક્રમે ફ્રેન્ચ પ્રવાસીઓ આવે છે. જો કે પર્યટન સ્થળો પર ખર્ચની બાબતમાં ફ્રેન્ચ લોકો ઘણાં આગળ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application