સમગ્ર ઉત્તર ભારતમાં ઠંડીનું તીવ્ર મોજું ફળી વળ્યું છે. રાજસ્થાના સિકરના ફતેહપુરમાં લઘુતમ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 24 કલાકમાં રાજ્યના વિવિધ ભાગોમાં વધુ ઠંડી પડવાની શક્યતા છે. કરૌલીમાં લઘુતમ 1.5 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. ચુરૂ, હનુમાનગઢ, અલવર, પિલાની અને ગંગાનગરમાં અનુક્રમે 2.5, 3, 4, 4, 4, 6 અને 5.8 ડિગ્રી સેલ્સિયસ તાપમાન રહ્યું હતું. જોકે, ચેન્નાઇ અને તેની આજુબાજુના વિસ્તારોમાં ગતરોજ સાંજે 5.30 વાગ્યા સુધીમાં 10 સેમી વરસાદ પડયો હતો. નુગામબક્કમમાં છેલ્લા 24 કલાકમાં 12 સેમી વરસાદ પડયો હતો. જે છેલ્લા પાંચ વર્ષમાં ડિસેમ્બરમાં પડેલો સૌથી વધુ વરસાદ છે.આ અગાઉ તા.13 ડિસેમ્બર, 2016ના રોજ 11 સેમી વરસાદ નોધવામાં આવ્યો હતો. કાશ્મીરમાં પણ અસહ્ય ઠંડીનો પ્રકોપ ચાલુ છે. જોકે ગતરોજ રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. ગુલમર્ગમાં માઇનસ 9.6 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. વાર્ષિક અમરનાથા યાત્રા માટેના બેઇઝ કેમ્પ ગણાતા પહલગામમાં માઇનસ 8.9 ડિગ્રી ઠંડી હતી. શ્રીનગરમાં પણ માઇનસ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધવામાં આવ્યું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ એક જાન્યુઆરીથી કાશ્મીરના પર્વતીય બરફ વર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે. ચોથી જાન્યુઆરીથી છ જાન્યુઆરી સુધીમાં પણ હિમ વર્ષાને કારણે ઠંડી વધશે.દિલ્હીમાં પણ તાપમાનમાં મોટો ઘટાડો નોંધાયો હતો. દિલ્હીમાં લઘુતમ તાપમાન 3.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે ગઇકાલે 8.4 ડિગ્રી સેલ્સિયસ હતું. દિલ્હીમાં આ અગાઉ તા.20 ડિસેમ્બરના રોજ લઘુતમ તાપમાન 3.2 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. જે ચાલુ સિઝનનો સૌથી ઓછું તાપમાન હતું. હવામન વિભાગના જણાવ્યા અનુસાર 3 જાન્યુઆરી સુધી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં ઠંડીનું પ્રમાણ વધુ રહે છે. હરિયાણાના કર્નાલ, રોહતક, ગુરૂગ્રામ, સિરસા, ફતેહાબાદ અને પંચકુલામાં લઘુતમ તાપમાન અનુક્રમે 3.2, 4.4, 6, 4.8,3.7 અને 4.9 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. મધ્ય પ્રદેશમાં નવા વર્ષનું આગમાન તીવ્ર ઠંડીની સાથે થશે. રાયસન, ધાર, ગ્વાલિયર અને ગુનામાં લઘુતમ તાપમાન સાત ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહ્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500