સુપ્રીમ કોર્ટે મીડિયા વન ચેનલ પરનો પ્રતિબંધ હટાવી દીધો છે. આ સાથે જ સરકારને પણ ફટકાર લગાવી છે. સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ કેસની સુનાવણી દરમિયાન કહ્યું હતું કે દેશમાં સ્વતંત્ર મીડિયા જરૂરી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે સરકારની નીતિઓ વિરુદ્ધ ચેનલના ટીકાત્મક વિચારોને રાષ્ટ્ર વિરોધી કહી શકાય નહીં કારણ કે મજબૂત લોકશાહી માટે સ્વતંત્ર પ્રેસ જરૂરી છે.
ખાસ વાત તો એ છે કે અગાઉ કેરળ હાઈકોર્ટ દ્વારા કેન્દ્ર સરકારના નિર્ણયને યથાવત રાખવામાં આવ્યો હતો. સૂચના અને પ્રસારણ મંત્રાલય દ્વારા ચેનલના લાયસન્સને રિન્યુ કરવાનો ઈનકાર કરતા આદેશ જારી કરવામાં આવ્યો હતો. આ અંગે કેન્દ્ર સરકાર દ્વારા રાષ્ટ્રીય સુરક્ષાને ટાંકવામાં આવી હતી. હવે સુપ્રીમ કોર્ટે તથ્યો વિના 'હવામાં' રાષ્ટ્રીય સુરક્ષા સંબંધિત દાવાઓ કરવા બદલ સરકાર સામે નારાજગી વ્યક્ત કરી છે.
મુખ્ય ન્યાયાધીશ (CJI) ડી.વાય.ચંદ્રચૂડના આગેવાની હેઠળની બેન્ચે સુરક્ષાના આધારે 'મીડિયાવન'ના પ્રસારણ પર પ્રતિબંધ મૂકવાના કેન્દ્રના નિર્ણયને યથાવત રાખતા કેરળ હાઈકોર્ટના આદેશને ફગાવી દીધો હતો.CJI ડી.વાય.ચંદ્રચૂડના આગેવાની હેઠળની બેન્ચે કહ્યું હતું કે,'આતંકવાદી કનેક્શનનો સંકેત આપતી કોઈ વસ્તુ મળી નથી. રાષ્ટ્રીય સુરક્ષાના દાવા હવામાં ન કરી શકાય. એવું જાણવા મળ્યું છે કે કોઈપણ સામગ્રી રાષ્ટ્રીય સુરક્ષા વિરુદ્ધ નહોતી.'કોર્ટે કહ્યું હતું કે,'લોકોના અધિકારોને નકારીને રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો ઉઠાવી શકાય નહીં...આ મામલામાં કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિચાર્યા વગર તેને ઉઠાવ્યો છે.'
કોર્ટનું કહેવું છે કે સરકારની ટીકા કરવા બદલ ચેનલનું લાયસન્સ રદ કરી શકાય નહીં. બેન્ચે કહ્યું હતું કે,'સરકારને એવું મંતવ્ય રાખવાની મંજૂરી આપી શકાય નહીં કે પ્રેસે સરકારનું સમર્થન કરવું જોઈએ.'તેમણે કહ્યું હતું કે,'પ્રજાસત્તાક લોકશાહીને સરળતાથી ચલાવવા માટે સ્વતંત્ર પ્રેસની જરૂર છે. લોકશાહી સમાજમાં તેની ભૂમિકા મહત્વપૂર્ણ છે.'સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે,'તમામ તપાસ અહેવાલોને ગોપનીય ન કહી શકાય કારણ કે તે નાગરિકોના અધિકારો અને સ્વતંત્રતાને અસર કરે છે'
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500