ખટોદરા વિસ્તારમાં લાકડાનું ગોડાઉન ધરાવતા વેપારી પાસેથી બાંધકામ કોન્ટ્રાક્ટરે ૨૪.૭૩ લાખ રૂપિયાના લાકડાની ખરીદી કરી હતી. વેસુમાં આવેલ ગ્રીન વેલી સાઇટ પર બાંધકામ માટે તેમને લાકડાની ખરીદી કરી માત્ર બે જ મહિનામાં તમામ રકમ ચૂકવી આપવાનો વાયદો આપ્યો હતો. જોકે ત્રણ વર્ષે પણ બાંધકામ કોન્ટ્રાકટરે પૈસા ન ચુકવતા આખરે મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો. પોલીસે ભોગબનનાર વેપારીની ફરિયાદ લઇ બાંધકામ કોન્ટ્રાકટર સામે ઠગાઇનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાવની વિગત ઍવી છે કે સિટીલાઇટ વિસ્તારમાં માહેશ્વરી ભવન પાસે ઓસ્કાર ઍપાર્ટ.માં રહેતા ૩૬ વર્ષીય કુતબી બાકીરભાઇ કાપડીયા લાકડાના વ્યવસાય સાથે સંકળાયેલા છે. ખટોદરા વિસ્તારમાં આવેલ શીવઆશીષ ઈંડસ્ટ્રીયલ ઍસ્ટેટમા પ્લોટ નં-૨૮માં સાલેહભાઇ વુડ્સ સપ્લાય નામથી તેઓ લાકડાની દુકાન ધરાવે છે. ત્રણ વર્ષ અગાઉ દીલીપકુમાર ઉમેશચંદ્ર શાહ (રહે- ઘર નં- ૨૧ શ્યામલ બંગ્લોઝ ટી.જી.બી હોટલની પાછળ પાલ) તેમના સંપર્કમાં આવ્યો હતો. દિલીપકુમારે તેમની ઓળખ બાંધકામ કોન્ટ્રાકટર તરીકે આપી હતી. તેઍ જણાવ્યું હતું કે હાલમાં વેસુમાં આવેલ ગ્રીન વેલી સાઇટ પર તેમનો બાંધકામનો કોન્ટ્રાકટ ચાલી રહ્યો છે.
તેઓઍ કુતબીભાઇ પાસેથી તારીખ ૦૭/૦૫/૨૦૧૮ ના રોજ કુલ ૨૪,૭૩, ૦૦૯ રૂપિયાના લાકડાનો માલ ખરીદી કર્યો હતો. આ માલના પૈસા માત્ર બે જ મહિનામાં ચૂકવી દેવાનો વાયદો આપ્યો હતો. બે મહિનાની જગ્યાઍ વધુ સમય થતા કુતબીભાઇ ઍ પૈસાની માંગણી કરી હતી. ત્યારે દિલીપકુમાર થોડા સમયમાં આપવાનું કહી વાયદાઓ આપી સમય પસાર કર્યો હતો. જોકે ત્રણ વર્ષ થવા છતાં ઍકપણ રૂપિયો ન ચુકવતા કુતબીભાઇ ઍ અવારનવાર પૈસાની ઉઘરાણી કરવા છતાં ગલ્લાંતલ્લાં કાર્ય હતા. જેથી આખરે ગતરોજ તેઓઍ આ મામલે ખટોદરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે દિલીપકુમાર સામે ૨૪.૭૩ લાખની ઠગાઇનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500