સોનગઢનાં વૃંદાવન સોસાયટીમાં રહેતા આઇટી સોફ્ટવેર એન્જિનિયરનાં નામે રૂપિયા 10 લાખની લોન અપ્રુવ કરાવી પ્રદીપસિંહ રાજપૂત નામના ચીટરે તે રકમ પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢની વૃંદાવન સોસાયટીમાં રહેતા ધ્રુવકુમાર યોગેશભાઈ ચાંદ્રાણી (ઉ.વ.29) અમદાવાદ સાયન્સ સિટી ખાતે આઈટી સોફ્ટવેર એન્જિનિયર તરીકે નોકરી કરે છે. જોકે તેઓ ગત તારીખ 04/05/2024નાં સાંજે 5:12 વાગ્યાનાં અરસામાં તેઓ પોતાના સોનગઢનાં ઘરે હતા. ત્યારે તેમના મોબાઈલ ફોન પર એક અજાણ્યાનો ફોન આવ્યો હતો.
તેણે પોતાનું નામ પ્રદિપસિંહ રાજપૂત જણાવી પોતે મુંબઈ અંધેરી સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાંથી બોલતો હોવાની ઓળખાણ આપી હતી. મુંબઈ અંધેરી બ્રાન્ચમાં એક મુંબઈથી ઈરાન જતું પાર્સલ પકડાયેલું હોવાનું કહી આ પાર્સલ પર તમારૂ (ધ્રુવકુમાર ચાંદ્રાણી) નામ હોવાથી તમારે મુંબઈ સાઇબર ક્રાઈમ બ્રાન્ચમાં આવવુ પડશે અથવા સાયબરમાં ઓનલાઈન કમ્પ્લેઇન નોંધાવવી પડશે તેવું જણાવ્યું હતું. તેથી ધ્રુવકુમાર ચાંદ્રાણીએ ઓનલાઈન ફરિયાદ નોંધાવવા સહમતી દર્શાવતા સામેની વ્યક્તિએ સ્કાઈપ એપ્લિકેશન ધ્રુવકુમારનાં મોબાઇલમાં ડાઉનલોડ કરાવી મુંબઈ સાયબર ક્રાઈમ એનસીબી ડિપાર્ટમેન્ટ સર્ચ કરાવી ચેટિંગ ચાલુ કરી આધારકાર્ડ અને ડેબિટ કાર્ડના ફોટા મંગાવ્યા હતા.
થોડીવાર પછી ધ્રુવકુમારનાં આઇ.સી.આઈ.સી.આઈ. બેંકનાં એકાઉન્ટમાં રૂપિયા 10 લાખ જમા થયા હતા તે સામેની વ્યક્તિએ મુંબઈ રિઝર્વ વેરિફિકેશન નામના એકાઉન્ટમાં આઈએમપીએસ દ્વારા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી લીધા હતા. બીજા દિવસે ધ્રુવકુમારને પોતાના ઈ-મેલ એડ્રેસ પર આવેલા મેસેજથી જાણકારી મળી હતી કે, સામેની પ્રદિપસિંહ રાજપુત નામની વ્યક્તિએ વિશ્વાસમાં લઈ આધારકાર્ડ, ડેબિટ કાર્ડ અને બેંક ડીટેઈલ માંગી પોતાના નામે જ રૂપિયા 10 લાખની લોન અપ્રુવ કરાવી તે તમામ રકમ બીજા ખાતામાં ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી તેથી ધ્રુવકુમારે સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરતા પોલીસે અજાણ્યા પ્રદીપસિંહ રાજપૂત નામના ઈસમ સામે પુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500