Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સપ્ટેમ્બર માસનો ચોથો રવિવાર એટલે 'વિશ્વ નદી દિવસ' : 'વિશ્વ નદી દિવસ'એ ખૂબસૂરત ડાંગ જિલ્લાની લોકમાતાઓની આછેરી ઝલક મેળવીએ

  • September 26, 2023 

આપણે જોઈ શકીએ છીએ કે, દુનિયાભરમાં જળ પ્રદૂષણનુ સ્તર વધતુ જઈ રહ્યુ છે. માણસોની બેદરકારીને કારણે નદીઓમાં ઝડપથી ગંદકી ફેલાઇ રહી છે. આ પ્રદૂષણને રોકવા માટે, અને આ બાબતે પ્રજાજનોમાં વ્યાપક જનજાગૃતિ જગાવવા માટે, દર વર્ષે સપ્ટેમ્બર મહિનાના ચોથા રવિવારે દુનિયાભરમાં 'વિશ્વ નદી દિવસ' ઉજવાય છે. આ દિવસની શરૂઆત સને ૨૦૦૫થી થઈ હતી. જેને આજે દુનિયાભરના અનેક દેશોમાં સભાનપણે ઉજવવામાં આવે છે. ત્યારે ગુજરાતના છેવાડે આવેલા નાનકડા પણ ખૂબસૂરત ડાંગ જિલ્લાની લોકમાતાની વાત અહીં કરીએ, એ પ્રાસંગિક લેખાશે. આમ તો ડાંગ જિલ્લાની ભૃપુષ્ઠ જોતા અહીં મુખ્ય ચાર નદીઓ જોવા મળે છે. દક્ષિણે અંબિકા, મધ્યે ખાપરી, ઉત્તર-પૂર્વે પૂર્ણા, અને ઉત્તરે તાપી જિલ્લાની સરહદે ગીરા. જે પૈકી મુખ્ય બે નદીઓ, કે જે અરબ સાગરને મળે છે તે છે અંબિકા અને પૂર્ણા. જ્યારે બાકીની નદીઓ એકમેકમાંથી ક્યાંક છૂટી પડે છે, તો ક્યાંક પરસ્પર ભળી જતા તે ઉપનદીઓ કહેવાય છે. ડાંગ જિલ્લાની ઉત્તર સરહદથી શરૂ કરીએ તો સૌથી પહેલા આવે છે 'ગિરા નદી'. ગીરા નદી એ પુર્ણા નદીની એક ઉપનદી છે.



'ગીરા નદી' ડાંગ સહિત દક્ષિણ ગુજરાતના અન્ય જિલ્લાઓમાં થઈને વહે છે. ગીરા નદીની કુલ લંબાઈ ૧૨૯ કિલોમીટર છે. તેનો ઉદ્ભવ ડાંગ જિલ્લામાં આવેલી પાંડવ ગુફા નજીકના કેચમેન્ટ વિસ્તારમાંથી થાય છે, અને અંત વાલોડ નજીક મિંઢોળા નદીનાં મિલન સાથે થાય છે. આ નદીનો ઉપયોગ પાણી સંચય માટે થાય છે. જે માટે તેના પર નાનામોટા ચેકડેમ બાંધવામાં આવ્યા છે. આ નદી વાંકાચુકા વળાંકો વાળી હોવાથી, તેના પર વાહન વ્યવહારના પુલો પણ બનાવવામાં આવેલા છે. પ્રાકૃતિક સૌંદયની દ્રષ્ટીએ તે અનોખી છે. તેના પર ગિરમાળ ગામ પાસે આવેલો 'ગિરા ધોધ'એ ગુજરાતનો સૌથી ઊંચો, અને રૌદ્ર-રમ્ય સ્વરૂપ ધરાવતો જળધોધ છે. આ ઉપરાંત કેટલાય પર્વતો પર આવેલા દુર્ગમ માર્ગો તેની શોભા વધારે છે. ત્યાર બાદ આવે છે 'પુર્ણા નદી'. આ નદી ગુજરાત રાજ્યમાં આવેલા ડાંગ, સુરત, અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે. આ નદી મહારાષ્ટ્ર અને ગુજરાતની સરહદ પર આવેલી સહ્યાદ્રિ પર્વતમાળામાંના પિપલદહાડ ગામ નજીકથી નીકળી, નવસારી જિલ્લાના મુખ્ય મથક નવસારી નજીક, અરબ સાગરમાં ભળી જાય છે. આ નદીમાં વાલ્મિકિ નદી ભળે છે. જ્યારે ગિરા નદી છૂટી પડી ઉપનદી બને છે.



પુર્ણા નદીના કિનારા પર લવચાલી, મહાલ, બુહારી, મહુવા, નવસારી વિગેરે ગામો આવેલાં છે. ત્યારબાદ આવે છે ડાંગના મધ્ય ભાગમાંથી વહેતી 'ખાપરી નદી'. તમે વઘઇથી આહવા તરફ આવો, અને રોડની જમણે સતત સાથે વહેતી દેખાય છે તે નદી તે 'ખાપરી નદી'. 'ખાપરી નદી' ડાંગ જિલ્લાની મુખ્ય નદીઓમાંની એક અને અંબિકા નદીની ઉપનદી છે. તે ડાંગના લગભગ બે સરખા ભાગ કરીને ડુંગરડા નજીક 'અંબિકા નદી'ને મળે છે. હવે વાત દક્ષિણ ડાંગની 'અંબિકા નદી'ની. 'અંબિકા નદી' ડાંગ અને નવસારી જિલ્લાઓની મહત્વની નદી છે. 'અંબિકા નદી' પશ્ચિમ દિશા તરફ વહેતી નદીઓ પૈકીની એક મહત્‍વની નદી છે. આ નદીનો સ્‍ત્રાવક્ષેત્ર ગુજરાત અને મહારાષ્‍ટ્ર રાજ્યમાં આવેલો છે. આ નદી મહારાષ્ટ્રમાં આવેલા નાસિક જિલ્‍લાના સુરગાણા તાલુકામાં આવેલા કોટાંબી ગામ નજીકથી સાપુતારાની ગિરિકંદરાઓમાંથી નીકળે છે, અને નવસારી જિલ્લાના બીલીમોરા નજીક અરબ સાગરમાં ભળી જાય છે. આ નદી ૧૩૬ કિલોમીટર જેટલુ અંતર કાપી અરબી સમુદ્રમાં ભળે છે.



તમે વઘઇથી ગિરિમથક સાપુતારા આવો અને માર્ગની બન્ને તરફ, ક્યારેક જમણે તો વળી ક્યારેક ડાબે વહેતી આ નદીનો પરિસર ર૦°.૧૩° થી ર૦°.પ૭° ઉત્તર અક્ષાંસ વચ્‍ચે અને ૭રં°.૪૮° થી ૭૩° પૂર્વ રેખાંશ વચ્‍ચે આવેલો છે. જેનો સ્‍ત્રાવ ક્ષેત્ર વિસ્‍તાર ર,૮૧પ ચોરસ કિલોમીટર જેટલો છે. આ પરીસરમાં ગુજરાત રાજ્યના નવસારી, ડાંગ અને સુરત જિલ્લાનો, તેમજ મહારાષ્‍ટ્રના નાસિક જિલ્‍લાના થોડાક ભાગનો સમાવેશ થાય છે. આ નદીમાં તેની ઉપનદીઓ પૈકી મહત્વનું યોગદાન આપતી ખાપરી, કોસખાડી, વોલણ, ખરેરા તેમજ કાવેરી નદી ભળી જાય છે. ડાંગ જિલ્લાના વઘઇ પાસેના આંબાપાડા ગામની સીમમાં આવેલો, અને ડાંગના નાયગ્રા તરીકે ઓળખાતો 'ગીરા ધોધ' અંબિકા નદીના રૌદ્ર અને રમ્ય રૂપને દર્શાવે છે. અંબિકા નદીના કિનારા પર સાકરપાતળ, નાનાપાડા, બારખાંધ્યા, રંભાસ, વઘઇ, ડુંગરડા, વાટી, કાળાઆંબા, સરા, પદમડુંગરી, ઉનાઈ, સિણધઇ, વહેવલ, ઉમરા, કાંકરીયા, જોગવાડ, બોરીયાચ, વેગામ, પીંજરા, ઇચ્છાપોર, માણેકપોર, ગડત, સોનવડી, અજરાઈ, કછોલી, તલોધ, હાથિયાવાડી, ધમડાછા, બીલીમોરા વિગેરે ગામો આવેલાં છે.



આ છે ડાંગની લોકમાતાઓની આછેરી ઝલક. નદીઓની વિશે વાત કરતા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આ અગાઉ જણાવ્યું હતું કે, ‘આપણે ત્યાં કહેવામાં આવ્યું છે કે, નદીઓ પોતાનું પાણી ખુદ નથી પીતી. પરંતુ પરોપકાર માટે આપે છે. એટલાં માટે તો આપણે તેને માં કહીએ છીએ. આપણાં કેટલાં પણ પર્વ હોય, તહેવાર હોય, વિવિધ ઉત્સવો હોય, પણ તે તમામ માંની ગોદમાં જ થાય છે. આપણે ત્યાં નદીઓ પ્રત્યે એક પ્રકારની આસ્થા છે. એવામાં કોઇ પણ આપણને પૂછશે, કે નદીઓનો આપણે ત્યાં આટલો મહીમા, આટલાં ગુણગાન ગવાઇ રહ્યાં છે, તો નદીઓ આટલી પ્રદૂષિત કેમ? પાણીની સફાઇ અને નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાનું કામ સૌના પ્રયાસથી જ સંભવ છે. તમિલનાડુની 'નાગા નદી'નું ઉદાહરણ આપતા વડાપ્રધાને તેમના ‘મન કી બાત’ના એક એપિસોડમા જણાવ્યું કે, ‘તમિલનાડુમાં નાગા નદી સૂકાઇ ગઈ હતી.



પરંતુ ગ્રામીણ મહિલાઓની પહેલ, અને સક્રિય જનભાગીદારીના કારણે નદીમાં પુનઃ જીવ આવી ગયો છે, અને આજે પણ આ નદીમાં ભરપૂર પાણી છે'. મનુષ્ય સહિત પશુપક્ષીઓ, વનસ્પતિ અને જંગલોને જીવન પ્રદાન કરતી દુનિયાની નાની મોટી સૌ નદીઓની જાળવણી, તેનું જતન સંવર્ધન, એ દરેક માનવીની પવિત્ર ફરજ છે. જે યાદ કરાવવા માટે જ દુનિયા આખી 'વિશ્વ નદી દિવસ' ઉજવે છે. ત્યારે પ્રદુષિત થઈ રહેલી નદીઓને પ્રદૂષણ મુક્ત કરવાનું કામ સૌના પ્રયાસથી જ સંભવ થઈ શકે. આવો આજે લોકમાતા એવી નદીના જળની સાક્ષીએ, કમસે કમ આપણે સ્વયં નદીઓને પ્રદુષિત ન કરવાનો સંકલ્પ લઈએ.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application