સાતારાનાં બોરગાવ પોલીસ સ્ટેશનની હદ્દમાં હાઇવે પર નવ શકમંદોની એક ટોળકીએ શનિવારે એક કુરિયરની ગાડી પર દરોડો પાડી અંદર સવાર બે કર્મચારીના મોઢા પર સ્પ્રે છાંટી સોના-ચાંદીની લગડી અને ઇંટો સાથે રફુચક્કર થઇ ગયા હતા. આ ઘટના બાદ યવત પોલીસ અને પુણે ગ્રામિણ પોલીસે આ પ્રકરણે ત્વરિત કાર્યવાહી હાથ ધરી ચોરટાઓની ટોળીના ચાર જણને પકડી પાડી તેમના પાસેથી 17 કિલો ચાંદી અને 11 તોલા સોનું તેમજ એક કાર જપ્ત કરી હતી.
પોલીસ રવિવારે સવારે કાસુર્ડી ટોલનાકા વિસ્તારમાં રવિવારે વહેલી સવારે આ કાર્યવાહી કરી હતી. જોકે બે ચોરટાઓ ચાર કિલોનાં સોનાનાં જથ્થા સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. આ સંદર્ભે વધુ વિગતાનુસાર શનિવારે રાત્રે 10 વાગ્યે કોલ્હાપૂરમાં દાગીનાનું કામ કરતા એક કુરિયરના બે કર્મચારી બોલેરો ગાડીમાં સોના-ચાંદીના દાગીના, બિસ્કીટ અને લગડી લઇ પુણેની દિશામાં જવા રવાના થયા હતા.
તે દરમિયાન બોરગાવની હદ્દમાં પાછળથી આવેલ ઇનોવા કાર ચાલકે તેનું વાહન કુરિયરનાં વાહન સામે આડું લાવી તેમનો માર્ગ રોક્યો હતો. આ સમયે ઇનોવામાંથી ઉતરેલા અજાણ્યા ચોરટાઓએ તેમના મોઢા પર સ્પ્રે છાંટી તેમને તેમના વાહનમાંથી નીચે ઉતાર્યા હતા અને તેમની બોલેરો લઇ સાતારાની દિશામાં ભાગી છૂટયા હતા. આ ઘટના બાદ કુરિયર કંપનીના કર્મચારીએ આ ઘટનાની જાણ કંપનીને કરી બોરગાવ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. બોરગાવ પોલીસ અને પુણે ગ્રામિણ પોલીસે તરત હરકતમાં આવી ઠેર-ઠેર નાકાબંધી ગોઠવી ચોરટાઓના વાહનને યવત પોલીસની હદમાં રવિવારે સવારે રોકી ચોરટાઓને તાબામાં લીધા હતા.
જોકે આ પહેલા ચોરટાઓના અન્ય બે સાથીદારો ચાર કિલો સોનાના જથ્થા સાથે ભાગી છૂટવામાં સફળ રહ્યા હતા. પોલીસે પકડાયેલા ચોરટાઓ પાસેથી 17 કિલો ચાંદી અને 11 તોલા સોનું જપ્ત કરી ચાર જણની ધરપકડ કરી તેમની ઇનોવા કાર પણ તાબામાં લીધી હતી. પોલીસ આ પ્રકરણે વધુ તપાસ કરી રહી છે અને ભાગી છૂટેલા ચોરટાઓને પકડી પાડી ચોરીની માલમત્તા પાછી મેળવવાનો પ્રયાસ કરી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500