જમ્મુ-કાશ્મીર હાઈ-વે પર ભુસ્ખલન થવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ છે. ભુસ્ખલની ઝટેપમાં આવેલ ટ્રક ઊંડી ખીણમાં ખાબક્યા હોવાની ઘટના બની છે. ઘટનામાં 4 લોકોના મોત નિપજ્યા છે. પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટના આજે રામબન જિલ્લાના શેરબીબી પાસેના હાઈવે પર બની છે. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, ભુસ્ખલનના કારણે હાલ હાઈવે બંધ કરી દેવામાં આવ્યો છે. ટ્રક જમ્મુથી શ્રીનગર જઈ રહ્યો હતો. ઘટના બની ત્યારે આસપાસના લોકો તેમજ પોલીસ દ્વારા તુરંત બચાવ અભિયાન હાથ ધરાયું હતું. જોકે ટ્રકમાં સવાર તમામ ચારેય લોકોના મોત નિપજ્યા હતા.
અધિકારીઓએ મૃતકોની ઓળખ કુલગામના ટ્રક ડ્રાઈવર અફજલ ગારૂ (ઉ.વ.42), તેમના ભાઈ અલ્તાફ ગારૂ (ઉ.વ.36), અનંતનાગના ઈરફાન અહમદ (ઉ.વ.33) અને તેમના ભાઈ શૌકત અહમદ (ઉ.વ.29) તરીકે થઈ છે. અધિકારીઓએ વધુમાં કહ્યું કે, ટ્રકમાં લઈ જવાતા 6 પશુઓ પણ માર્યા ગયા છે. તેમણે કહ્યું કે, ભુસ્ખલનના કારણે હાઈવે પર મોટો અવરોધ ઉભો થયો છે. તેમણે કહ્યું કે, કાશ્મીરને દેશના અન્ય ભાગોને તમામ સિઝનમાં જોડતો આ એકમાત્ર હાઈવે છે. હાલ હાઈવે પર ટ્રાફિક વ્યવસ્થા ફરી શરૂ થાત તે માટેની કામગીરી પુરજોશમાં ચાલી રહી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500