સુરત જિલ્લા એલ.સી.બી. પોલીસે બારડોલીના વધાવા ગામના કુકડ ફળિયામાં પંચાયત ઓફિસની પાછળના ભાગે જુગાર રમી રહેલા ચાર આરોપીઓને રંગે હાથ ઝડપી લીધા હતા. જ્યારે અન્ય દસ આરોપીઓ પોલીસની રેડ જોઈ નાસી છૂટતા પોલીસે તેમને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી માહિતી અનુસાર સુરત જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ બારડોલી ટાઉન અને રૂરલ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે સમયે ખાનગી રાહે બાતમી મળી હતી કે વધાવા ગામે કુકડ ફળિયામાં આવેલ પંચાયત ઓફિસના પાછળના ભાગે ખુલ્લી જગ્યામાં કેટલાક ઇસમો જાહેરમાં પૈસા વડે જુગાર રમી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે છાપો મારતા સ્થળ પર ભાગદોડ મચી ગઈ હતી. પોલીસને જોઈને સ્થળ પરથી દસ જેટલા જુગારીઓ નાસી છૂટ્યા હતા. જ્યારે પોલીસે સુનિલ ગોપાલ ચૌધરી, દિનેશ ઉકા ચૌધરી, અક્ષય મહેશ ચૌધરી અને ઇતેશ ઈશ્વર ચૌધરી (તમામ રહે વધાવા)ને પકડી લઈ તેમની પાસેથી 11 હજાર 950 રૂપિયા રોકડા, મોબાઇલ ફોન ત્રણ કિંમત રૂ 1500 અને પાંચ મોટર સાયકલ કિંમત રૂ.1.20 લાખ મળી કુલ 1 લાખ 33 હજાર 450 રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
સ્થળ પરથી નાસી છૂટેલા અજિત ઉર્ફે દૂતિયો ભિસા ચૌધરી, મેહુલ ભોપિન ચૌધરી, ગિરીશ મોહન ચૌધરી, કાળુ મંછા ચૌધરી, ભાવેશ કાંતિ ચૌધરી, પ્રભુ સૂકા ચૌધરી, નરેશ ગંજી ચૌધરી, ચેતન મંગા ચૌધરી, રાકેશ રમેશ ચૌધરી અને નરેશ કાંતુ ચૌધરીને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા હતા. પોલીસે તમામ સામે બારડોલી ગ્રામ્ય પોલીસ મથકમાં જુગાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500