ઉચ્છલ તાલુકાનાં ત્રણ રસ્તાથી નાઈટ પેટ્રોલિંગ દરમિયાન ત્રણ વર્ષ પહેલાં એટલે કે ગત તારીખ 7 સપ્ટેમ્બર 2020ના રોજ GRD જવાનોએ શંકાના આધારે ટ્રક નંબર GJ/0/AT/3997ને અટકાવી અને પોલીસ કર્મચારીઓને બોલાવી ટ્રકમાં તલાસી લેતા ચાલક હમીર રાજારામભાઈ રબારી અને તેના સાથેના રવિભાઈ ગોપાલભાઈ નિમાવત (બંને રહે.માણાવદર, જિલ્લો જુનાગઢ)ને પાસ પરમીટ વગર 8 ગાય અને 2 વાછરડાની કુર્તાપૂર્વક હેરાફેરી કરતા ઝડપી લીધા હતા. આ ગાયો અને વાછરડા રામભાઈ ગોગનભાઈ મકવાણા (રહે.માણાવદર, જિ.જુનાગઢ)ના તબેલા પરથી ભરેલ હતા અને ધુલિયા ખાતે રહેતા સંદીપભાઈ રમેશભાઈ થોરાતને આપવાના હોવાની ટ્રક ચાલકે કબુલાત કરી હતી.
ત્યારબાદ તપાસમાં ટ્રક મોકલનાર લક્ષ્મણભાઈ કારાભાઈ કોડીયતરનું નામ પણ સામે આવ્યું હતું. જેથી તપાસ અધિકારીએ જરૂરી તપાસ કરી પાંચેય આરોપીઓ વિરુદ્ધ કોર્ટમાં ચાર્જશીટ ફાઇલ કરી હતી જે કેસ તાપી જિલ્લાના સેશન્સ જજ એન.બી.પીઠવા સમક્ષ ચાલતા ફરિયાદ પક્ષે રજૂ થયેલ પુરાવા અને સરકારી વકીલ રમેશ બી. ચૌહાણએ કરેલી દલીલો ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી પૈકી હમીર રબારી, રવિ નિમાવત, રામાભાઈ મકવાણા અને સંદીપ થોરાતને પશુ સંરક્ષણ અધિનિયમ 1954 સુધારા અધિનિયમ 2017ની કલમો હેઠળ ગુનામાં તકસીરવાર ઠેરવી 7 વર્ષની સખત કેદની સજા અને દરેકને રૂપિયા 1,00,000/-નો દંડ તેમજ ટ્રક વાહન સરકાર હસ્તક દાખલ કરવાનો હુકમ કર્યો હતો, જ્યારે લક્ષ્મણભાઈ કોડીયતરને નિર્દોષ ઠરાવી છોડી મૂકવાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500