સુરતની ઉમરા પોલીસે પીપલોદ સુડા આવાસ પાસેથી દારૂ ભરેલી એક કાર ઝડપી પાડી હતી. સ્થળ પરથી પોલીસે એક આરોપીની ધરપકડ કરી હતી. તેમજ પોલીસ તપાસમાં પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ મેઘના પટેલની સંડોવણી બહાર આવી હતી જેથી પોલીસે મેઘના પટેલની પણ ધરપકડ કરી કુલ 10.71 લાખનો મુદામાલ કબજે કર્યો હતો
સુરતમાં ઉમરા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમ્યાન માહિતી મળી હતી કે એક ઇસમ પીપલોદ સ્થિત સુડા આવાસના પાર્કિંગમાં બોલેરો કેમ્પર ફોરવ્હીલમાં દારૂનો જથ્થો વેચાણ કરવા માટે લાવી સંતાડી રાખ્યો છે.
બાતમીના આધારે પોલીસે ત્યાં દરોડો પાડ્યો હતો. જ્યાં એક ઇસમ કારમાં બનાવેલા ચોર ખાનામાંથી દારૂનો જત્થો નીચે ઉતારી રહ્યો હતો. જેથી પોલીસે ત્યાંથી લલિત જગદીશભાઈ બોરસલીવાલાની ધરપકડ કરી હતી. પોલીસે કારમાં તપાસ કરતા તેમાં ચોર ખાનું બનાવવામાં આવ્યું હતું અને ત્યાંથી પોલીસે ૭.૬૫ લાખનો દારૂ, ૩ લાખની ફોરવ્હીલ તેમજ એક મોબાઈલ ફોન મળી કુલ ૧૦.૭૧ લાખની મત્તા કબજે કરી હતી.
પોલીસ તપાસમાં આ દારૂનો જત્થો મેઘના પટેલ નામની મહિલાએ મંગાવ્યો હોવાનું બહાર આવ્યું હતું. જેથી પોલીસે મેઘના પટેલની પણ ધરપકડ કરી હતી. વધુમાં મેઘના પટેલ પ્રદેશ કોંગ્રેસની મહિલા મોરચાની પૂર્વ ઉપપ્રમુખ છે અને છેલ્લા ઘણા સમય પહેલાં કોંગ્રેસ દ્વારા તેમને સસ્પેન્ડ પણ કરવામાં આવ્યાં હતાં. મેઘના પટેલની સંડોવણીથી રાજકીય રીતે પણ ચર્ચાએ જોર પકડ્યું છે. ડીસીપી સાગર બાગમરે જણાવ્યું હતું કે ઉમરા પોલીસ મથકમાં આ મામલે ગુનો નોંધવામાં આવ્યો છે. આ મામલે ઊંડાણ પૂર્વક તપાસ હાથ ધરવામાં આવી છે. ઝડપાયેલી મહિલા મેઘના પટેલ કોંગ્રેસ પક્ષ સાથે જોડાયેલી હોવાનું બહાર આવ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500