તાતા જૂથનાં માજી ચેરમેન સાયરસ મિસ્ત્રીનું દક્ષિણ ગુજરાતનાં ઉદવાડાથી મુંબઈ આવતી વખતે પાલઘર જિલ્લાની હદમાં ચારોટી પાસે સૂર્યા નદીનાં બ્રિજ પર માર્ગ અકસ્માતમાં મોત નીપજયું હતું. નાની વયે તાતા જૂથનાં ચેરમેન બનેલા પરંતુ પછી અશોભનીય રીતે હકાલપટ્ટી બાદ કાનૂની જંગ લડનારા સાયરસ મિસ્ત્રીનાં આવાં આકસ્મિત નિધનથી ભારતીય કોર્પોરેટ જગત ભારે શોકમાં ગરકાવ થઈ ગયું છે. મહારાષ્ટ્ર સરકારે અકસ્માતના સંજોગો અંગે તપાસની જાહેરાત કરી છે.
મુંબઈથી આશરે 100 કિમી પહેલાં સૂર્યા નદીનાં બ્રિજ પર બપોરે સવા ત્રણ વાગ્યાનાં અરસામાં સાયરસ મિસ્ત્રીની મર્સિડિઝ કાર ડિવાઈડર સાથે અથડાઈ હતી. પોલીસ સુત્રોનાં મતે ચાલકે કાર પરથી કાબૂ ગુમાવ્યો હશે અને તેના લીધે કાર ડિવાઈડર સાથે અથડાઈ હશે તેવું પ્રાથમિક નજરે જણાય છે.
જોકે આ અકસ્માતમાં 54 વર્ષીય સાયરસ મિસ્ત્રી તથા અન્ય બેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય બેને સારવાર માટે વાપી લઈ જવાયાં હતાં. ત્યાંથી તેમને વધુ સારવાર માટે મુંબઈ ખસેડવા તજવીજ હાથ ધરાઈ હતી, જયારે સાયરસ મિસ્ત્રીનો મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે નજીકના કાસા ગામના સરકારી દવાખાને લઈ જવાયો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500