ભારતીય રિઝર્વ બેંકના ભૂતપૂર્વ ગવર્નર સી.રંગરાજને શનિવારે એક સંબોધનમાં જણાવ્યું હતું કે, ભારત વિશ્વની પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવું એ એક 'અસરકારક સિદ્ધિ' છે. આ વાતનો આપણે સૌએ ગૌરવ લેવો જોઈએ, પરંતુ દેશની માથાદીઠ આવક પણ વર્તમાન સ્તરેથી વધુ ઝડપથી વધવી જરૂરી છે. અત્રે નોંધનીય છે કે, સી.રંગરાજન વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. સી.રંગરાજને કહ્યું કે, કોવિડ-19 અને રશિયા-યુક્રેન યુદ્ધ પછી ભારતના ભાવિ વિકાસ માટે રેડમેપ તૈયાર કરવાની અને વૃદ્ધિ દર વધારવાની જરૂર છે. તેમણે કહ્યું, 'ભારત આજે પાંચમી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે, તે એક મોટી ઉપલબ્ધિ છે.
જોકે જો આપણે માથાદીઠ આવક પર નજર કરીએ તો દેશનું કઈંક અલગ જ ચિત્ર રજૂ થાય છે. વર્ષ-2020ના આંકડા અનુસાર વ્યક્તિદીઠ આવકની સૂચિમાં ભારત 197 દેશોમાંથી 142માં ક્રમે છે. આ આંકડો બતાવે છે કે, આપણે હજુ કેટલું આગળ વધવાનું છે. કોઈપણ રીતે માથાદીઠ આવકના વર્તમાન સ્તરને જોતાં આપણી પાસે ઝડપથી ટકાઉ વૃદ્ધિ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી. એક મૂલ્યાંકન મુજબ જો દેશ આગામી બે દાયકા કે તેથી વધુ સમય સુધી સતત 7 ટકાનો વિકાસ દર હાંસલ કરે છે તો તે આથક મોરચે નોંધપાત્ર પરિવર્તન લાવી શકે છે અને ભારત વિકસિત અર્થતંત્રનું બિરૂદ લગભગ હાંસલ કરશે.
તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ભારતે નવી ટેકનોલોજી અપનાવીને આગળ વધવાની જરૂર છે. ભારતમાં મોટી સંખ્યામાં કુશળ માનવબળ છે, જે નવી ટેકનોલોજી અપનાવવામાં મદદ કરશે. જોકે નવી ટેકનોલોજી મેન્યુફેક્ચરિંગમાં રોજગાર દરમાં થોડો ઘટાડો કરી શકે છે. જોકે જેમ-જેમ વૃદ્ધિ થશે તેમ રોજગાર દર પણ વધશે. વૃદ્ધિ વિના, રોજગાર વૃદ્ધિ ટકાઉ રહેશે નહીં તેથી, આપણે ઓછામાં ઓછા ૭ ટકાની સતત વૃદ્ધિનું લક્ષ્ય રાખવું જોઈએ. અન્ય એક મહત્વા મુદ્દા પણ ભાર મુકતા આરબીઆઈના પૂર્વ ગવર્નરે કહ્યું કે, વૃદ્ધિની વ્યૂહરચના બહુ-આયામી હોવી જોઈએ અને દેશને મજબૂત નિકાસ તેમજ ઉત્પાદન ક્ષેત્રોની જરૂર છે. તેમણે કહ્યું કે દરેક વર્ગને સાથે લઈને ચાલવું પડશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500