Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

NCBનાં પૂર્વ અધિકારી સમીર વાનખેડેની ચેન્નઈમાં બદલી

  • May 31, 2022 

મુંબઈ ડ્રગ્સ કેસમાં અભિનેતા શાહરુખ ખાનના પુત્ર આર્યનની ધરપકડને લઈને વિવાદોમાં આવેલા એનસીબીના પૂર્વ અધિકારી સમીર વાનખેડેની બદલી કરી દેવાઈ છે. તાજેતરમાં જ એનસીબીએ ડ્રગ્સ મામલે ચાર્જશીટ દાખલ કરી હતી, જેમાં આર્યન ખાનને ક્લીન ચીટ આપવામાં આવી હતી. આને લઈને વિભાગની ઘણી ટીકા થઈ હતી. આર્યનની ધરપકડ સમયે મુંબઈમાં એનસીબીના ઝોનલ ડાયરેક્ટર રહેલા સમીર વાનખેડેની બદલી તેનુ જ પરિણામ માનવામાં આવી રહ્યુ છે.




સમીર વાનખેડેને હવે ચેન્નઈમાં ડાયરેક્ટરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સમાં ડીજી ટેક્સપેયર સર્વિસ તરીકે તૈનાત કરાયા છે. અત્યાર સુધી તેઓ મુંબઈમાં એનાલિટિક્સ એન્ડ રિસ્ક મેનેજમેન્ટ મહાનિદેશક કાર્યાલયમાં એડિશનલ કમિશ્નર હતા. એનસીબીમાંથી તેમની પહેલા જ વિદાય થઈ ચૂકી છે. વાનખેડેનો એનસીબીમાં 4 મહિનાનો કાર્યકાળ 31 ડિસેમ્બર 2021એ પૂરો થઈ ચૂક્યો છે. જે બાદ તેમને એક્સટેન્શન આપવામાં આવ્યુ નહોતુ.





ગયા વર્ષે મુંબઈમાં ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત કરાયા મામલે એનસીબીએ કોર્ટમાં ચાર્જશીટ દાખલ કરતા કહ્યુ હતુ કે આર્યન ખાન અને પાંચ અન્ય સામે પૂરતા પુરાવાનો અભાવ છે. આકરી ટીકા બાદ એનસીબીના ડીજી એસએન પ્રધાને નિવેદન આપવુ પડ્યુ હતુ. તેમણે માન્યુ હતુ કે આ મામલે સમીર વાનખેડે અને તેમની ટીમથી ભૂલ થઈ છે. યોગ્ય રીતે તપાસ ન કરવા અને પ્રક્રિયાનુ પાલન ના કરનારા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે.






જે બાદ કેન્દ્ર સરકારે ગયા અઠવાડિયે એનસીબીના મુંબઈમાં ઝોનલ ડાયરેક્ટર રહેલા વાનખેડે સામે કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. સરકારે કહ્યુ હતુ કે સક્ષમ અધિકારી ક્રૂઝમાંથી ડ્રગ્સ જપ્ત થયાના મામલે કથિત ખરાબ તપાસ માટે તેમની પર યોગ્ય કાર્યવાહી કરે. સમીર વાનખેડે અને તેમની ટીમે મુંબઈમાં કોર્ડેલિયા ક્રૂઝ પર ગયા વર્ષે 3 ઓક્ટોબરે દરોડા પાડ્યા હતા અને મોટા પ્રમાણમાં ડ્રગ્સ જપ્ત કર્યુ હતુ. આ મામલે આર્યન ખાન સહિત 22 લોકોની ધરપકડ થઈ હતી.





આ મામલે તપાસને લઈને મહારાષ્ટ્ર સરકારમાં મંત્રી નવાબ મલિકે સમીર પર કેટલાય પ્રશ્ન ઉઠાવ્યા હતા. બોમ્બે હાઈકોર્ટે 28 ઓક્ટોબરે આર્યનને જામીન આપતા કહ્યુ હતુ કે એનસીબી માત્ર વ્હોટ્સએપ મેસેજ પર વિશ્વાસ કરીને કેસ બનાવી રહી છે, જે આવા ગંભીર કેસમાં યોગ્ય નથી. બાદમાં સમીર પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા, જે બાદ એનસીબીએ તપાસ માટે એસઆઈટીની રચના કરી. ગયા વર્ષે 6 નવેમ્બરે એનસીબીએ વાનખેડેને આ કેસની તપાસમાંથી હટાવી દીધા હતા.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application