જાપાનનાં પૂર્વ વડાપ્રધાન શિંઝો આબેનું અવસાન થયું છે. શિંઝો આબેને છાતીનાં ભાગે ગોળી મારવામાં આવી હતી અને તેમને બચાવવા માટેના તમામ પ્રયત્નો નિષ્ફળ રહ્યા છે. ગોળી વાગવાનાં કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંઝો આબેની સ્થિતિ ખૂબ જ ગંભીર થઈ ગઈ હતી. જાપાનીઝ એજન્સીએ શિંઝો આબેના મૃત્યુની સત્તાવાર પુષ્ટિ કરી છે. હુમલાની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:30 કલાકે બની હતી.
જાપાનીઝ અધિકારીઓનાં કહેવા પ્રમાણે, શિંઝો આબેને એરલિફ્ટ કરવામાં આવ્યા તે સમયે તેમના હૃદયના ધબકારા બંધ હતા અને તેમના શ્વાસ પણ નહોતા ચાલી રહ્યા. શિંઝો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા. તે સમયે આ હુમલો થયો હતો. ગોળી વાગવાનાં કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું.
તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા. પરંતુ કેટલાક લોકોએ 2 વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. જોકે પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે વ્યક્તિ 41 વર્ષનો છે. નારા શહેરના રહેવાસી તેત્સુયા યામાગામી પર હુમલો કરવાનો આરોપ છે અને તેની પુછપરછ ચાલી રહી છે. તે જાપાન મેરિટાઈમ સેલ્ફ ડિફેન્સ ફોર્સ (JMSDF)નો પૂર્વ સદસ્ય હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500