ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની અકલ્પનીય ઓછી સીટો સાથે હાર થઈ છે ત્યારે કોંગ્રેસમાં અગાઉની જેમ અત્યારે પણ આંતરીક કલેહ અને આક્ષેપ- પ્રતિ આક્ષેપ સામે આવી રહ્યો છે. રાધનપુરના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય રઘુ દેસાઈનો આક્ષેપ સાથેનો લેટર બોમ્બ સામે આવ્યો છે. જેમાં તેમણે જગદિશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે.
કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈએ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આરોપ લગાવ્યા છે. રઘુ દેસાઈએ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખીને જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માંગ કરી છે. જેના કારણે ગુજરાતનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે.
રઘુ દેસાઈએ મલ્લિકાર્જુન ખડગેને લખેલા પત્રમાં પાર્ટીને હરાવવા માટે જવાબદાર નેતાઓ સામે પગલાં લેવાની માંગ કરી છે. આ સાથે તેમણે એમ પણ લખ્યું છે કે રાધનપુર બેઠક પર જગદીશ ઠાકોરના કારણે પરાજય થયો છે. તેમના પત્ર મુજબ કેટલાક નેતાઓ પાર્ટીમાં રહ્યા અને ચૂંટણીમાં પાર્ટી વિરુદ્ધ કામ કર્યું.પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરના નજીકના સાથીઓએ હારમાં ભૂમિકા ભજવી છે.
પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર પક્ષ વિરૂદ્ધ કામ કરતા લોકોને કાબૂમાં રાખી શક્યા નથી. તેથી જ જગદીશ ઠાકોર સહિતના પક્ષ વિરુદ્ધ કામ કરનારા નેતાઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવે તેવું પણ લખવામાં આવ્યું છે.અલ્પેશ ઠાકોર રઘુ દેસાઈએ ગત 2017ની ચૂંટણીમાં હાર આપી હતી અને તેઓ રાધનપુર બેઠક પરથી જીત્યા હતા.
આખી કોંગ્રેસને કાબૂમાં રાખવાની જવાબદારી જેમની પાસે છે તેમને લઈને જ રઘુ દેસાઈએ ગંભીર આક્ષેપો લગાવ્યા છે. કોંગ્રેસ પાર્ટીમાં હાર પહેલા અને હાર બાદ પણ આક્ષેપ અને પ્રતિ આક્ષેપ સતત જોવા મળી રહ્યા છે જે અત્યારે પણ જોવા મળી રહ્યા છે. જેમાં રઘુ દેસાઈની મોટી નારાજગી જોવા મળી રહી છે. અગાઉ કોંગ્રેસ પ્રભારીએ રાજીનામું આપી દીધું છે ત્યારે કોંગ્રેસના નેતા પ્રદેશ પ્રમુખ સામે પણ બળાપો કાઢી રહ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500