મેડિકલ કોલેજોમાં પ્રવેશ માટેની પરીક્ષા નીટના પરિણામોમાં કથિત કૌભાંડના મુદ્દે દેશભરમાં ભારે હોબાળો મચ્યો છે અને સીબીઆઈ તપાસની માંગ કરાઈ રહી છે. આવા સમયે નેશનલ ટેસ્ટિંગ એજન્સીએ શનિવારે આ પરીક્ષામાં 1500થી વધુ વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવાના મુદ્દાની તપાસ માટે ચાર સભ્યોની સમિતિની રચના કરી છે. આ સમિતિના રિપોર્ટ પછી 1500થી વધુ વિદ્યાર્થીઓએ ફરી પરીક્ષા આપવી પડે તેવી સંભાવના છે તેમ એજન્સીએ જણાવ્યું હતું. બીજીબાજુ નીટમાં કૌભાંડના આક્ષેપો સાથે કોટાના 12,000થી વધુ વિદ્યાર્થીઓ ફરીથી પરીક્ષા યોજવા સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ દાખલ કરશે તેમ જણાવાય છે. દેશભરમાં નીટનું પરીણામ જાહેર થયા પછી તેમાં ગ્રેસ માર્ક્સનો વિવાદ વકર્યા પછી કૌભાંડનાં આક્ષેપોના પગલે પુન: પરીક્ષા યોજવાની માંગ સતત વધી રહી છે.
આવા સમયે દેશમાં નીટનું આયોજન કરતી નેશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ શનિવારે જણાવ્યું હતું કે, શિક્ષણ મંત્રાલયે ગ્રેસ માર્ક્સ વિવાદની તપાસ માટે ચાર સભ્યોની સમિતિ બનાવી છે. યુપીએસસીના પૂર્વ અધ્યક્ષની આગેવાનીમાં આ સમિતિ એક સપ્તાહની અંદર તેનો રિપોર્ટ સોંપશે. એનટીએનું કહેવું છે કે, વિદ્યાર્થીઓને ગ્રેસ માર્ક્સ આપવાથી પરિણામ અથવા ક્વોલિફાઈંગ ક્રાઈટેરિયામાં કોઈ તફાવત આવ્યો નથી. એનટીએએ પેપર લીકના આરોપો પણ ફગાવી દીધા છે. એનટીએના ડીજી સુબોધ કુમાર સિંહે કહ્યું કે, 'આ માત્ર 1500થી વધુ વિદ્યાર્થીઓનો મુદ્દો છે જ્યારે દેશભરમાં પેપર 23 લાખથી વધુ વિદ્યાર્થીઓએ આપ્યું હતું. આખા દેશમાં 4,750 સેન્ટર પર નીટનું આયોજન થયું હતું અને સમયમાં અનિયમિતતાની સમસ્યા માત્ર 6 સેન્ટરમાં થઈ હતી.
આમ, વાસ્તવિક રીતે આ વિવાદ ખૂબ જ નાનો છે.' તેમણે ઉમેર્યું કે, 'સમિતિ આ બધા જ 1600 વિદ્યાર્થીઓના પેપર ચકાસસશે અને તેમને અપાયેલા ગ્રેસ માર્ક્સ અથવા ટાઈમ લોસની સમિક્ષા પણ કરાશે. જરૂર પડશે તો આ વિદ્યાર્થીઓએ ફરીથી પરીક્ષા આપવી પડશે. જોકે, તેનાથી નીટના પરીણામ પછી યોજાતી એમબીબીએસ અને બીડીએસ સહિત વિવિધ મેડિકલ કોલેજની પ્રવેશ પરીક્ષા પર કોઈ અસર નહીં પડે. સમિતિ એક સપ્તાહમાં જે ભલામણ કરશે તેના આધારે નિર્ણય લેવાશે.' પેપર લીકના આક્ષેપો અંગે સુબોધ કુમાર સિંહે કહ્યું કે, સોશિયલ મીડિયા પર જે પેપર આવ્યું છે તે પેપર શરૂ થયા પછી આવ્યું હતું. અમે ભવિષ્યમાં અમારા પ્રોટોકોલ અને સ્ટાન્ડર્ડ વધુ મજબૂત બનાવીશું જેથી ફરી આ પ્રકારની ભૂલ ના થાય.
સમય બગડવા મુદ્દે સમિતિની બેઠક યોજાઈ હતી અને તેમણે કેન્દ્રો અને સીસીટીવીની બધી જ વિગતોનો અભ્યાસ કર્યો હતો. અમને જાણવા મળ્યું હતું કે, કેટલાક કેન્દ્રો પર વિદ્યાર્થીઓનો સમય બગડયો છે અને તેના માટે વિદ્યાર્થીઓને વળતર આપવું જોઈએ. સમિતિએ વિદ્યાર્થીઓની ફરિયાદો દૂર કરવા માટે ગ્રેસ માર્ક્સ આપ્યા હતા. આ કારણે કેટલાક વિદ્યાર્થીઓને 718 અને 719 માર્ક મળ્યા અને 6 ઉમેદવાર ટોપર બની ગયા. હકીકતમાં અમારી પરીક્ષા પ્રક્રિયા ખૂબ જ પારદર્શી રહી છે. દરમિયાન મહારાષ્ટ્ર સરકારે પણ નીટની પરીક્ષા તાત્કાલિક રદ કરવા માગણી કરી હતી.
રાજ્ય સરકારનો આક્ષેપ છે કે આ પરીણામોથી રાજ્યના હજારો વિદ્યાર્થીઓને અન્યાય થયો છે. બીજીબાજુ નીટમાં કૌભાંડના આક્ષેપો કરતા કોટા શહેરના 12,000 વિદ્યાર્થીઓ તરફથી સુપ્રીમ કોર્ટમાં પીઆઈએલ કરવાની તૈયારી કરાઈ રહી છે. કોટાના શિક્ષણવિદ અને મોશન કોચિંગ સેન્ટરના ડિરેક્ટર નિતિન વિજયે કહ્યું કે, આ 24 લાખ બાળકો સાથે સંકળાયેલા દોઢ કરોડ લોકોનો મુદ્દો છે. જે દિવસે દેશમાં મતગણતરી ચાલી રહી હતી એ જ દિવસે નીટનું પરીણામ જાહેર કરવાની ઉતાવળ શું હતી જ્યારે નીટનું પરિણામ 14 જૂને જાહેર થવાનું હતું. પહેલાં નીટનું પેપર લીક થવાના અહેવાલો આવ્યા. ત્યાર પછી નીટના ઈતિહાસમાં પહેલી વખત 67 વિદ્યાર્થીઓને 720માંથી 720 માર્ક્સ આવ્યા. આ મુદ્દે સીબીઆઈ તપાસ થવી જોઈએ.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500