Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

‘વન મહોત્સવ’ દરમિયાન ડાંગમાં ૭ લાખ રોપાઓનું વાવેતર કરતું વન વિભાગ

  • August 06, 2023 

ડાંગ અને પ્રત્યેક ડાંગીજનોની ઓળખ, માન-સન્માન, અને સમગ્ર જીવન જંગલને આભારી છે, તેમ જણાવતા ડાંગના ધારાસભ્ય-વ-ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઈ પટેલે જીવનમાં વનોની મહત્તા સ્પષ્ટ કરતા, સૌને તેની જાળવણીનું આહ્વાન કર્યું હતું. ૭૪માં વન મહોત્સવના કાર્યક્રમની જિલ્લા કક્ષાની ઉજવણીના અધ્યક્ષ સ્થાનેથી બોલતા વિજયભાઈ પટેલે, ડાંગના પ્રકૃતિ પ્રેમી અને પ્રકૃતિ પૂજક પ્રજાજનો જ, જંગલના સાચા રક્ષકો છે તેમ કહ્યું હતું. જંગલમાં વસતા આદિજાતિ પરિવારોનું વન આધારિત જુદી જુદી યોજનાઓના સથવારે તેમનું જીવન ધોરણ બદલાયું છે તેમ પણ તેમણે જણાવ્યુ હતું. તેમણે વન વિભાગની અઢળક યોજનાઓનો લાભ લઈને પ્રજાજનોને સ્વયં જાગૃતિ કેળવી, પોતાના જંગલનું રક્ષણ કરી, ભાવિ પેઢીને સમૃદ્ધ વન વારસો આપી જવાની હિમાયત કરી હતી.



ડાંગના જાગૃત પ્રજાજનોને જુદી જુદી યોજનાઓનો લાભ આપીને, અને કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓના સથવારે, પારદર્શક વહીવટને કારણે લાયક અને જરૂરિયાતમંદોને યોજનાકિય લાભો મળી રહ્યા છે, તેમ પણ તેમણે આ વેળા જણાવ્યુ હતું. ક્લસ્ટર આધારિત વિકાસ યોજનાઓની હિમાયત કરતાં શ્રી વિજયભાઈ પટેલે વિકાસમાં અવરોધ ઊભો કરતા તત્વોને ઓળખીને તેમને જાકારો આપવા, અને સારુનરસુ સમજી, જે તે વખતે સમર્થન આપવું કે નહીં આપવું તેનો નિર્ણય લેવા પણ તેમણે જણાવ્યુ હતું. ડાંગમાંથી વહી જતાં પાણીને શ્રેણીબદ્ધ ચેકડેમોના નિર્માણોથી રોકીને, અહીની ધરાને તરબોળ કરવા સાથે પ્રજાજનોની પાણીથી જરૂરિયાત સંતોષવાની હાંકલ કરતા વિજયભાઈ પટેલે પ્રજાજનોની જમીન ડુબાણમાં ન જાય, અને પાણી પણ અહીના લોકોને મળી રહે તેવા કાર્યોમાં સૌનો સહકાર જરૂરી છે તેમ વધુમાં જણાવ્યુ હતું.



સેઠેપાળે વૃક્ષારોપણની અપીલ કરતા વિજયભાઈ પટેલે દરેક પ્રજાજનોને જન્મદિવસ જેવા પ્રસંગે ફરજિયાત એક વૃક્ષ વાવવાનો સંકલ્પ કરવાનું આહ્વાન કર્યું હતું. જીવ સાથે વન નો અખૂટ નાતો એટલે જીવન. તેમ જણાવતા ડાંગ જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવિતે ‘કોરોના’ ના કાળમાં અનુભવેલી મુશ્કેલી બાદ, સૌને ઓક્સિજનનું મૂલ્ય સમજાઈ ગયું છે તેમ જણાવી, જીવનમાં વૃક્ષોનું મહત્વ સૌએ સ્વીકારવું જ પડશે તેમ તેમના પ્રાસંગિક વક્તવ્યમાં જણાવ્યુ હતું. ડાંગની વનાચ્છાદિત પ્રકૃતિ અને નૈસર્ગિક સૌંદર્યને માણવા અને જાણવા માટે આવતા હજારો પ્રવાસીઓ, માત્ર અને માત્ર જંગલોને આભારી છે તેમ જણાવતા પ્રમુખશ્રીએ, પ્રવાસીઓની ચહલપહલથી સ્થાનિક રોજગારીનું પણ નિર્માણ થઈ રહ્યું છે તેમ કહ્યું હતું. મંગળભાઈ ગાવિતે ભાવિ પેઢીને જંગલોનો સમૃદ્ધ વારસો આપવા માટે આપણે સૌએ જંગલને બચાવવું પડશે તેમ જણાવ્યુ હતું. પ્રમુખશ્રીએ આ વેળા પ્રાકૃતિક ખેતીનું મહત્વ પણ વર્ણવ્યુ હતું.



ડાંગની સાચી ઓળખ અંહીના જંગલ છે, તેમ જણાવતા દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક રવિપ્રસાદ રાધા-કૃષ્ણનએ આગામી દિવસોમાં ગિરિમથક સાપુતારા ખાતે ‘કવચ વન’ તૈયાર કરાશે તેમ જણાવ્યુ હતું. પોતાના પ્રાસંગિક વક્તવ્યમાં રવિપ્રસાદે વન જતન, સંવર્ધન આર્થિક ઉપાર્જનનું માધ્યમ છે, તેમ કહ્યું હતું. ડાંગના લોકોને જંગલ જાળવણીની અપીલ કરતા રવિપ્રસાદે ડાંગના જંગલની ગીચતા અને વન વિસ્તાર વધારવામાં સૌને સહભાગી થવાની હિમાયત કરી હતી. 'ગ્રીન ગુજરાત, ક્લીન ગુજરાત'ની થીમ સાથે યોજાયેલા 'વન મહોત્સવ' દરમિયાન એગ્રિકલ્ચર કોલેજના પ્રિન્સિપાલ ડો.જે.જે.પસ્તાગિયા એ પ્રાસંગિક વક્તવ્ય રજૂ કરી 'વન મહોત્સવ' નો ઉદ્દેશ સ્પષ્ટ કરી વન વિકાસનો વૈજ્ઞાનિક અભિગમ વર્ણવ્યો હતો. કૃષિવિજ્ઞાન કેન્દ્ર-વઘઇ ખાતે યોજાયેલા ૭૪માં વન મહોત્સવ દરમિયાન મહાનુભાવોના હસ્તે મુખ્ય સ્ટેજ ઉપરથી 'માલિકી યોજના’ના રૂ.૪૮.૭૪ લાખનો લાભ આપવામાં આવ્યો હતો.



જ્યારે પેટા સ્ટેજ ઉપરથી રૂ.૧૯૨.૪૮ લાખ મળી કુલ રૂ.૨૪૧-૨૩ લાખનો લાભ આપવામા આવ્યો હતો. તે જ રીતે 'વનલક્ષ્મી’ યોજના અંતર્ગત મુખ્ય સ્ટેજ ઉપરથી રૂ.૪૦.૮૨ લાખનો લાભ આપવા સાથે 'વાડી યોજના', અને ‘કલસ્ટર યોજના'ના લાભાર્થીઓને આંબા/કાજુની કલમ અને ખેત ઓજારો તથા કીટ અર્પણ કરાયા હતા. સાથે પ્રશંસનીય કામગીરી કરનારા વનકર્મીઓને પ્રશસ્તિપત્ર પણ મહાનુભાવોના હસ્તે અર્પણ કરાયા હતા. ડાંગ વન વિભાગ દ્વારા સને ૨૦૨૩/૨૪ના વર્ષ દરમિયાન કુલ-૨૨૨૩ હેક્ટર વન વિસ્તારમાં કુલ-૧૭.૫૨ લાખ રોપાઓનું વાવેતર કરાયું છે. જ્યારે 'વન મહોત્સવ' દરમિયાન ૭ લાખ રોપાઓના વાવેતરનો લક્ષ નક્કી કરાયો છે.



કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત ACF આરતી ભાભોરે કર્યું હતું. જ્યારે અંતે આભારવિધિ ACF નીલેશ પંડયાએ આરોપી હતી. ઝાવડા પ્રાથમિક શાળાની બાળાઓએ પ્રાર્થના તથા સ્વાગત ગીત રજૂ કર્યા હતા. કાર્યક્રમમાં આહવા તથા વઘઇ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, વાસૂર્ણાના રાજવી શ્રી ધનરાજસિંહ સૂર્યવંશી, તાલુકા/જિલ્લા પંચાયતના પદાધિકારીઓ, ભાજપા સંગઠનના હોદ્દેદારો, વન મંડળીના સભાસદો, લાભાર્થીઓ, પર્યાવરણ પ્રેમીઓ, તથા મીડિયાકર્મીઓ વિગેરેએ ઉપસ્થિત રહી તેમની ભૂમિકા અદા કરી હતી. કાર્યક્રમ બાદ મહાનુભાવોના હસ્તે KVK ના કેમ્પસમાં વૃક્ષારોપણ કરવા સાથે વૃક્ષરથને પ્રસ્થાન પણ કરવાયું હતું.



ડાંગમાં છેલ્લા ત્રણ વર્ષોમાં કરાયેલું વન વાવેતર...

વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં રેંજ વાઇઝ વન વાવેતરના લક્ષ્યાંક અને તેની સામે કરાયેલા વાવેતરની વાત કરીએ તો, ઉત્તર ડાંગ વન વિભાગની આહવા (પ.), ભેસકાતરી, બરડીપાડા, કાલીબેલ, લવચાલી, સુબીર, શિંગાણા,અને પીપલાઇદેવી રેંજમાં સને ૨૦૨૧/૨૨ માં કુલ -૧૩૩૫ હેક્ટર,અને ૨૦૨૨/૨૩ માં ૧૩૯૮ હેક્ટર, તથા ૨૦૨૩/૨૪ માં ૧૦૮૬ હેક્ટરમાં કુલ. ૧૬ લાખ ૫૨ હજાર ૮૬૬ રોપાઓનું વાવેતર કરાયું છે. તો દક્ષિણ ડાંગ વન વિભાગની વઘઇ, ચીંચિનાગાંવઠા, સાકરપાતળ, ચિખલી, શામગહાન, ગલકુંડ, આહવા(૫), અને નવતાડ રેંજમાં સને ૨૦૨૧/૨૨માં ૯૬૩ હેક્ટર, અને ૨૦૨૨/૨૩ માં ૧૨૭૭ હેક્ટર, તથા ૨૦૨૩/૨૪માં ૧૩૫૦ હેક્ટરમાં કુલ-૩૬ લાખ ૦૪ હજાર ૦૬૦ રોપાઓનું વાવેતર કરાયું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application