વનાચ્છાદિત ડાંગ જિલ્લાની વન સંપદા અને વનોમાં રહેતા ગ્રામજનોની નિખાલસતાને બિરદાવતા વન મંત્રીશ્રીએ, પ્રાકૃતિક ડાંગ જિલ્લાની વિશેષતા જોઇ, જાણી અહીંની ખાસ કરીને વન વિભાગની સ્વરોજગારીની યોજનાઓની સરાહના કરી હતી. સાપુતારાના 'મેઘ મલ્હાર પર્વ'ના ઉદ્દઘાટન માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ, પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કેબીનેટ મંત્રી મૂળુભાઈ બેરાએ, વઘઇ ખાતે જિલ્લાની વન સમિતિઓ, ઈકો ડેવલપમેન્ટ કમિટિઓ, સ્વ સહાય જુથોના આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજી સૌને પ્રોત્સાહિત કર્યા હતા. દંડકારણ્યની દેવભુમિમાં ઈકો ટુરીઝમને કારણે ડાંગના ઘણા ખરા લોકોને આર્થિક રોજગારી મળી રહી છે.
પ્રવાસીઓને જંગલો, નદીઓ, ઝરણાઓ, વન્ય જીવો, પક્ષીઓ, ધોધ વિગેરેનું આહલાદક દ્રશ્ય નિહાળવાની તક ઉપલબ્ધ થવા સાથે અહીંની સંસ્કૃતી, નૃત્ય, વારલી અને પચવે પેઈન્ટીંગ, ડાંગી પ્રાકૃતિક ભોજન, સ્થાનિક ઉત્સવો પ્રકૃતિના દેવો અહીંની આદિજાતી સંસ્કૃતિ સાથે વણાયેલા છે, તેમ જણાવતા મંત્રીશ્રીએ "કોરોના" જેવી મહામારી સમયે પણ ડાંગીજનોએ સ્વાસ્થ્ય જાળવીને, અહીં અત્યાર સુધી જાળવી રાખેલ હરિયાળી વનરાજીના કારણે માનવ મૃત્યુ દર નહિવત હતુ તેમ કહ્યું હતું. આવા જંગલો અને વન્યજીવોની સુરક્ષા માટે સૌને, અને અહીંની લીડરશીપને ખુબ ખુબ અભિનંદન આપુ છુ, તેમ પણ મંત્રીશ્રીએ વધુમાં કહ્યું હતું.
ગુજરાત રાજયના પનોતા પુત્ર અને સપુત એવા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો પ્રિય જિલ્લો એ ડાંગ જિલ્લો છે, તેમ જણાવતાં મંત્રીશ્રીએ, પ્રધાનમંત્રીશ્રીની અમી દ્રષ્ટિ હમેશાં ડાંગ જિલ્લા પર હોવાના કારણે ડબલ એન્જીન સરકાર તમામ ક્ષેત્રે જેવા કે શિક્ષણ, આરોગ્ય, પીવાના પાણીની સુવિધા, રસ્તાઓ, દુરસંચાર/કનેકટીવીટી, રોજગારીની વિપુલ તકો પ્રાપ્ત થાય તેવા વિવિધ કૌશલ્ય વર્ધન કેંન્દ્રોની સ્થાપના, પશુપાલન, ખેતી, વીજળી, વનો, વન્યજીવોના વિકાસરૂપી મંત્રને સાથે લઈને "સૌનો સાથ સૌનો વિકાસ" સુત્રને ડાંગ જિલ્લાના પ્રજાજનો સાથે ખભેખભો મીલાવી સાર્થક કરી રહી છે તેમ જણાવ્યું હતું. ગુજરાતના રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રતજીના વરદ્દ હસ્તે ડાંગ જિલ્લાને સૌપ્રથમ "પ્રાકૃતિક જિલ્લો" જાહેર કરાતા અહીની જમીન સુધારણામાં અને ખેતીની પધ્ધતીમાં મોટો ફેરફાર આવ્યો છે તેમ કહેતા વન પર્યાવરણ મંત્રીશ્રીએ સૌને રાસાયણિક ખાતરની જગ્યાએ જીવામૃત, વર્મિ કમ્પોસ્ટ, છાણીયુ ખાતર વિગેરેને મહત્વ આપવાનું આહવાન કર્યું હતું.
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી અને માર્ગદર્શન હેઠળ વન વિભાગ દ્રારા વન સંવર્ધન ક્ષેત્રે વનોની જાળવણી, વન્ય જીવોની જાળવણી, એંન્ટ્રી પોઈન્ટના કામો, જંગલ રસ્તાઓ, આદિમ જુથના કોટવાળીયા જાતીના સમુદાયના ડેવલપમેન્ટ જેવી અનેક બાબતોમાં વર્ષે ૫૦ કરોડ રૂપિયાના ખર્ચે વિકાસના કામો હાથ ધરવામાં આવે છે, તેમ જણાવતાં મંત્રીશ્રીએ, જેનો સીધો આર્થિક લાભ ડાંગની જનતાને મળે છે તેમ કહ્યું હતું. ગત વર્ષે વન વિભાગ દ્વારા ૧૦ લાખ જેટલા વાંસ ગ્રામજનોને વિતરણ કરવામાં આવ્યા હતા, તેમ પણ તેમણે કહ્યું હતું. વઘઇના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં વન વિભાગની વાડી યોજના, માલિકી યોજના, વનલક્ષ્મી યોજના, વનધન યોજના, ક્લસ્ટર ડેવલોપમેન્ટ પ્રોજેકટ, જમીન લેવલિંગ, ભેજ સંરક્ષણ, વન અધિકાર અધિનિયમ, વન ઔષધિ અને ભગત મંડળી, જંગલ કામદાર સહકારી મંડળી, સ્વ સહાય જુથ, વન સમિતિ અને ઈકો ડેવલપમેંન્ટ કમિટીના લાભાર્થીઓને વિવિધ સહાયના ચેકનું વિતરણ કર્યું હતું.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500