મહેમદાવાદ તાલુકાના સિંહુજ તાબેના લક્ષ્મીપુરા સીમમાં ટ્રકમાં પ્લાસ્ટિકના ખાલી કેરેટ નીચે ચોર ખાનામાં સંતાડેલી રૂ.૯.૯૨ લાખના દારૂની ૮,૩૪૦ બોટલો ખેડા એલસીબીએ ઝડપી હતી. નવાઈની વાત એ હતી કે, દારૂ ઉતારનાર કે ટ્રક ચાલક નહીં ઝડપાતા પોલીસની કામગીરી સામે સવાલો ઉઠી રહ્યા છે. એલસીબી ખેડા પોલીસ રવિવારે રાત્રે પેટ્રોલિંગમાં હતી. દરમિયાન અમદાવાદમાં રહેતો પ્રદીપ જગદીશભાઈ રાજપુત બહારથી વિદેશી દારૂ મંગાવી સિંહુજ તાબે લક્ષ્મીપુરાના કિસન ફતેસિંહ ચૌહાણ સાથે મળી દારૂની હેરાફેરી વેચાણ કરતા હતા.
જેથી લક્ષ્મીપુરા સીમમાં આવેલા નીલગીરીના ખેતરમાં બોરકુવાની ઓરડીમાં ટ્રકમાંથી વિદેશી દારૂ ઉતારવામાં આવી રહ્યો હતો. જ્યાં પોલીસે રેડ પાડતા બોરકુવાની આગળ ઊભેલી ટ્રકની તલાસી લેતા પ્લાસ્ટિકના ખાલી કેરેટ નીચે ગુપ્ત ખાનામાં સંતાડેલા વિદેશી દારૂના બોક્સ નંગ ૨૭૩માં બોટલ તેમજ ટીન નંગ ૮,૩૪૦ કિંમત રૂ.૯,૯૧,૭૪૦નો જથ્થો મળી આવ્યો હતો. જેથી પોલીસે વિદેશી દારૂ, પ્લાસ્ટિકના કેરેટ નં.૪૪૨ કિંમત રૂ.૨૨,૧૦૦ તથા ટ્રક કિંમત રૂ.૧૦ લાખની મળી કુલ રૂ.૨૦,૧૩,૮૪૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. બનાવ અંગે એલસીબી ખેડાની ફરિયાદ આધારે મહેમદાવાદ પોલીસે પ્રદીપ જગદીશભાઈ રાજપુત, કિશન ફતેસિંહ ચૌહાણ, દારૂ મોકલનાર તેમજ ટ્રક ચાલક સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500