ગાંધીનગર દક્ષિણ વિધાનસભા વિસ્તારનાં અડાલજનાં બંધ મકાનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની બાતમીને પગલે ગાંધીનગર LCBએ દરોડો પાડીને 500 પેટી વિદેશી દારૂનો જથ્થો ઝડપી લીધો હતો. જોકે, મકાન માલિક સહિત 2 શખ્સો ફરાર થઇ ગયા હતા. મળતી માહિતી મુજબ, વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી આગામી સોમવારે યોજાવાની છે ત્યારે અમુક વિસ્તારના મતદારોને રીઝવવા માટે દારૂની ડિલીવરી કરવા રાજકીય પક્ષો અને ઉમેદવારો દારૂ ઉતારી રહ્યા છે ત્યારે ચૂંટણી ટાણે આ પ્રકારની દારૂની હેરફેર અટકાવવા માટે ચૂંટણા તંત્ર અને પોલીસ મેદાને ઉતરી પડયા છે.
ગાંધીનગર LCBની ટીમને બાતમી મળી હતી કે, અડાલજનાં બાલાપીર દરગાહ સામે આવેલા એક બંગલામાં વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતારવામાં આવ્યો છે. જે બાતમીને પગલે પોલીસ ટીમે દરોડો પાડયો હતો અને અહીં મકાનમાં દારૂની પેટીઓ જોઇને ખુદ પોલીસ પણ ચોંકી ઉઠી હતી જેમાં પોલીસે 500 પેટી જેટલો દારૂનો જથ્થો અહીંથી મળી આવ્યો હતો. પોલીસે તપાસ કરતા આ બંગલો વિશાલ પ્રમોદભાઇ પટેલનો હોવાનું બહાર આવ્યું છે. તેમજ સિધ્ધાર્થ સુરેશ પટેલ અંબિકા ટાયરવાળા (રહે.અમદાવાદ, મુળ અડાલજ) દ્વારા દારૂનો જથ્થો ઉતારવામાં આવ્યો હોવાની પોલીસને વિગતો મળી રહી છે હાલ તો પોલીસે 20 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી બનાવ અંગે અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500