Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં એક મહિનામાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસનાં ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 3.50નો વધારો

  • May 20, 2022 

દેશમાં સામાન્ય જનતા સતત મોંઘવારીમાં પીસાઈ રહી છે એવામાં ગુરુવારે તેને વધુ એક ફટકો વાગ્યો છે. એક મહિનામાં બીજી વખત ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 3.50નો વધારો થયો છે. કોમર્શિયલ એલપીજીના ભાવમાં પણ રૂપિયા 8નો વધારો કરાયો છે. આ પહેલાં ગત તા.7મી મેના રોજ સબસીડી વગરના 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50નો વધારો કરાયો હતો. આ સાથે એપ્રિલ 2021 પછી એલપીજીનાં ભાવ પ્રતિ સિલિન્ડર રૂપિયા 193.50 વધી ગયા છે.



સરકારી પેટ્રોલિયમ કંપનીઓએ જાહેર કરેલા નોટિફિકેશન મુજબ દિલ્હીમાં સબસિડી વગરના 14.2 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત હવે રૂપિયા 1003 થઈ ગઈ છે, જે પહેલા રૂપિયા 999.50 હતી. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં બે મહિનાથી ઓછા સમયમાં ત્રીજી વખત વધારો થયો છે. ગત તા.22મી માર્ચે એલપીજી સિલિન્ડરના ભાવમાં રૂપિયા 50 અને 7મી મેના રોજ રૂપિયા 50નો વધારો કરાયો હતો.



પેટ્રોલ અને ડીઝલના ભાવ સતત 43મા દિવસે સ્થિર રહ્યા. આ પહેલા 22મી માર્ચથી શરૂ થતા 16  દિવસમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર રૂપિયા 10નો વધારો કરાયો હતો. પેટ્રોલિયમ કંપનીઓએ સત્તાવાર રીતે કહ્યું છે કે, આ વધારો સબસિડી વગરના એલપીજી ગેસ સિલિન્ડર પર લાગુ પડશે, પરંતુ દેશના મોટાભાગના શહેરોમાં હવે સરકાર તરફથી ગેસ સિલિન્ડર પર કોઈ સબસિડી અપાતી નથી. સરકારે મે-2020 પછી દેશના અંતરિયાળ વિસ્તારો સિવાય મોટા ભાગના વિસ્તારોમાં સબસિડીવાળા એલપીજી સિલિન્ડર પર ગ્રાહકોના ખાતામાં નાણાં જમા કરાવવાનું બંધ કરી દીધું છે.



મુંબઈમાં સબસિડી વાળા 14.2 કિલોના એલપીજી સિલિન્ડરનો ભાવ રૂપિયા 1,002.50, ચેન્નઈમાં રૂપિયા 1,018.50 અને કોલકાતામાં રૂપિયા 1,029 થયો છે. ઘરેલુ રાંધણ ગેસની સાથે કોમર્શિયલ સિલિન્ડરના ભાવમાં પણ રૂપિયા 8નો વધારો કરાયો છે. પરિણામે 19 કિલોના એલપીજી સિલિન્ડરની કિંમત રૂપિયા 2,354 થઈ ગઈ છે. આ પહેલા 1લી મેના રોજ કોમર્શિયલ સિલિન્ડરમાં પ્રતિ સિલિન્ડર રૂપિયા 102.50નો વધારો કરાતા ભાવ રૂપિયા 2,355.50 થયા હતા.



જોકે, 7મી મેના રોજ ભાવ ઘટાડવામાં આવતા 19 કિલોના સિલિન્ડરની કિંમત રૂપિયા 2,346 થઈ ગઈ હતી. આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડના ભાવમાં સ્થિરતાના કારણે એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરાયો હોવાનું પેટ્રોલિયમ કંપનીઓએ જણાવ્યું હતું.  એલપીજી ગેસના ભાવ નવેમ્બર 2020 પછી સતત વધી રહ્યા છે. આ સમયમાં દિલ્હીમાં 14.2 કિલોના સિલિન્ડરના ભાવમાં રૂપિયા 400 અથવા લગભગ 70 ટકાનો વધારો થયો છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application