Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

દેશમાં પ્રથમ વખત વડોદરા-વાઘોડિયા સ્ટેટ હાઇવેનો એક ભાગ સીજીબીએમથી બનાવાશે

  • May 09, 2023 

સમગ્ર દેશમાં પ્રથમ વખત વડોદરા જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના એક ભાગને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવી રહ્યો છે. માર્ગના લાંબા આયુષ્ય માટે અકસીર પૂરવાર થયેલી આ પદ્ધતિથી વડોદરાથી વાઘોડિયા સુધીના સ્ટેટ હાઇવેના ૪૨૦૦ મિટર હિસ્સાને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવશે. આ ઉપરાંત આ રોડ ઉપર તેના કિનારે જીઓ ટેક્સટાઇલ પણ પાથરી પાણીથી થતાં નુકસાનથી રક્ષિત કરવામાં આવશે.


વડોદરા માર્ગ અને મકાન વિભાગ ગ્રામ્યના કાર્યપાલક ઇજનેર શ્રી કમલેશ થોરાતે કહ્યું કે, વડોદરાથી વાઘોડિયા માર્ગમાં પારૂલ યુનિવર્સિટીથી આગળથી શરૂ થઇ ૪૨૦૦ મિટર લંબાઇનો માર્ગ વારંવાર તૂટી જતો હતો. એટલે તેનું નિરાકરણ લાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવામાં આવી હતી. કેન્દ્ર સરકારની આ સંસ્થાના તજજ્ઞ ડો. મનોજ શુક્લ થોડા સમય પહેલા વડોદરાની મુલાકાત લઇ ગયા હતા. તેમણે આપેલા રિપોર્ટ પ્રમાણે દેશમાં પ્રથમ વખત હાઇવેને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે.


વડોદરાથી પસાર થતાં નેશનલ હાઇવેથી વાઘોડિયા સુધીના ૧૬ કિલોમિટર લાંબા માર્ગનું નવીનીકરણ કરવા માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. ૧૪ કરોડની ફાળવણી કરવામાં આવી છે. તેમાંથી વડોદરા તરફથી શરૂઆતનો ૫.૫ કિલોમિટર રોડ વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી બનાવી રહી છે. બાકીનો રોડ માર્ગ અને મકાન વિભાગ, ગ્રામ્ય દ્વારા નિર્માણ પામી રહ્યો છે. રસપ્રદ વાત એ છે કે, પારૂલ યુનિવર્સિટીથી આગળ વાઘોડિયા જીઆઇડીસી સુધીના ૪૨૦૦ મિટરનો માર્ગ વારંવાર તૂટી જવાની સમસ્યા રહે છે. તેથી તેને નવી પદ્ધતિથી બનાવવા માટે સેન્ટ્રલ રોડ રિસર્ચ ઇન્સ્ટીટ્યુટની મદદ લેવામાં આવી છે.


સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સને સમજતા પહેલા રોડને બનાવવા માટેની પરંપરાગત પદ્ધતિને સમજવી જોઇએ. માર્ગ અને મકાન વિભાગ દ્વારા કોઇ હાઇવેને બનાવતા પહેલા કેલિફોર્નિયા બિયરિંગ રેશિયોનું પરિક્ષણ કરવામાં આવે છે. જેમાં જમીનનું પૃથક્કરણ કરી તેમાં રહેલા મિનરલ્સ, જમીનની સખતાઇનો રેશિયો કાઢવામાં આવે છે. આ ઉપરાંત ટ્રાફિકનું ભારણ ખાસ કરીને ભારે માલવાહક વાહનોના આવનજાવનને ધ્યાને રાખીને રોડને કેટલાક લેયરમાં બનાવવો ? તે નક્કી કરવામાં આવે છે. કેલિફોર્નિયા બિયરિંગ રેશિયો (સીબીઆર) જેમ વધારે હોય તેમ લેયરના સ્તર ઓછા હોય છે. સીબીઆર ઓછા હોય તેમ લેયર વધારવામાં આવે છે. સામાન્ય રીતે જમીન કાળી અને ચીકણી માટીનું પ્રમાણ વધુ હોય ત્યાં સીબીઆરની ટકાવારી ઓછી આવે છે. પથરાળ અને કાંકરાવાળી જમીનમાં સીબીઆર વધુ આવે છે. વડોદરા જિલ્લામાં સામાન્ય રીતે સીબીઆરનું પ્રમાણ બેથી છ ટકા જેટલું જોવા મળે છે.


માર્ગ નિર્માણની પરંપરાગત્ત પદ્ધતિમાં ગ્રેન્યુઅલ સબબેઝ અને વેટમિક્સ મેકેડમ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યાં યાતાયાતનું ભારણ ઓછું રહેતું હોય ત્યાં ડામર લેવલમાં બિટ્યુમિનસ મેકેડમ અને સેમિડેન્સ બિટ્યુમિનસ કોંક્રિટનો ઉપયોગ થાય છે. જ્યાં ટ્રાફિક વધારે હોય ત્યાં ડેન્સ બિટ્યુમિનસ મેકેડમ અને બિટ્યુમિનસ કોંક્રિટનો ઉપયોગ થાય છે. હવે સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સમાં એવું કરવામાં આવે છે કે, ડામરના મિક્સમાં એરવોઇડ રહેવા દેવામાં આવે છે. સામાન્ય રીતે પરંપરાગત પદ્ધતિમાં રોડરોલર ચલાવી આવા ગેપ પૂરી દેવામાં આવતા હોય છે. નાના નાના ગેપ ઉપર સિમેન્ટ અને અન્ય પદાર્થથી બનેલી ગ્રાઉટની લાપી મારવામાં આવે છે અને આ લાપીથી ગેપ પૂરી દેવામાં આવે છે. જેને સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સ કહેવામાં આવે છે.


સુરત મહાનગરપાલિકા દ્વારા એક મહોલ્લામાં સાત વર્ષ પૂર્વે સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બનાવવામાં આવેલો રોડ આજે પણ એવો જ છે. એ બાદ દેશમાં પ્રથમ વખત વડોદરામાં વાઘોડિયા રોડ સિમેન્ટ ગ્રાઉટેડ બિટ્યુમિનસ મિક્સથી બની રહ્યો છે. પરંપરાગત પદ્ધતિ કરતા આમાં અંદાજે દસેક ટકા વધુ ખર્ચ આવે છે.વાઘોડિયા હાઇવેની સ્થિતિ એવી છે કે, રોડની એક બાજું, બીજી બાજુ કરતા ઊંચી છે. એટલે આ ચોમાસા દરમિયાન પાણી ભરાવાથી બીજી બાજુએ પાણીના નિકાલનો પણ પ્રશ્ન રહે છે. તેના નિરાકરણ માટે માર્ગ અને મકાન વિભાગ દ્વારા ઉક્ત કામગીરીમાં જીઓટેક્સટાઇલનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ખાસ પ્રકાર પદાર્થ અને પ્લાસ્ટિકથી બનેલું એક સ્તર રોડ અંદર બિછાવી પાણીને નિકળવાનો માર્ગ કરી આપવામાં આવશે. જેથી માર્ગને નુકસાન થતું અટકાવી શકાશે.


વાઘોડિયા હાઇવેના ઉક્ત ૪૨૦૦ મિટર પૈકી ૧૩૦૦ મિટરના ભાગને સિમેન્ટ ટ્રિટેડ બેઝ્ડ કોર્સ અને બાકીના ભાગને કન્વેશનલ વેટ મિક્સથી બનાવવામાં આવશે. સીજીબીએમનું કામ આગામી થોડા દિવસોમાં શરૂ કરવામાં આવશે. આ માર્ગનું સમગ્ર કામ જૂન માસ સુધીમાં પૂર્ણ કરવાનું આયોજન છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application