નવનિર્મિત રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહ પછી રામ નગરીમાં પહેલી વખત ભવ્ય દીપોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઉત્તરપ્રદેશનાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને કેશવ પ્રસાદ મૌર્યએ 'પુષ્પક વિમાન'(હેલિકોપ્ટર)માં અયોધ્યા આગમન પર શ્રી રામની સાથે માતા સીતા અને લક્ષ્મણ, હનુમાન અને અન્ય લોકોનું સ્વાગત કર્યું હતું. મુખ્યમંત્રી સાથે અન્ય લોકોએ ભગવાન રામના રથને રામ દરબાર સ્થળ સુધી ખેંચ્યો હતો. બાદમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે તેમની આરતી ઉતારી હતી.
છોટી દિવાળી નિમિત્તે અયોધ્યામાં ભવ્ય દીપોત્સવ સમારોહના ભાગરૂપે ઝાંખીઓની શોભાયાત્રા કાઢવામાં આવી હતી. રામાયણની ઘટનાઓને દર્શાવતા ઝાંખીઓમાં દેશભરના શાસ્ત્રીય નૃત્યકારોની પ્રસ્તુતિએ રામ પથ પર પોતાનો જાદુ ફેલાવ્યો હતો. ઉત્તરપ્રદેશ સરકારના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સાકેત કોલેજથી રામ કથા પાર્ક સુધી કાઢવામાં આવેલી 18 વિશેષ ઝાંખીઓ આ દીપોત્સવનું મુખ્ય આકર્ષણ હતું. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ અધિકારીએ જણાવ્યું હતું કે, ઉત્તરપ્રદેશ પ્રવાસન વિભાગ, અયોધ્યા જિલ્લા વહીવટીતંત્ર અને સરયુ આરતી સમિતિએ સૌથી વધુ સંખ્યામાં 1112 લોકોએ એક સાથે સરયુ આરતી કરવા માટેનો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે.
રામ મનોહર લોહિયા અવધ યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સરયૂના 55 ઘાટોને 28 લાખ દીવાથી સજાવવાના કામને આખરી ઓપ આપ્યો હતો. તેની તૈયારીઓ માટે યુનિવર્સિટીએ સુપરવાઈઝર, ઘાટ ઈન્ચાર્જ અને કાઉન્ટિંગ વોલેન્ટિયર્સ સાથે બે હજારથી વધુની વિશાળ ટીમ ઉતારવામાં આવી છે. તેમની દેખરેખ હેઠળ દિવાળી દરમિયાન 25 લાખથી વધુ દીવા પ્રગટાવવામાં આવશે. આ પ્રસંગે ધારાસભ્ય વેદ પ્રકાશ ગુપ્તા અને મેયર ગિરીશ પતિ ત્રિપાઠી પણ હાજર રહ્યા હતા. આ ઝાંખીઓમાં રામચરિતમાનસના વિવિધ એપિસોડને જીવંત સ્વરૂપે રજૂ કરવામાં આવ્યા હતા. આ દરમિયાન રામપથ પર રંગોની સાથે સાથે જોરદાર આતશબાજી પણ કરવામાં આવી હતી. આ ભવ્ય શોભાયાત્રામાં સાકેત કોલેજના વિદ્યાર્થીઓએ પુત્રેષ્ટિ યજ્ઞથી લઈને શ્રી રામના રાજ્યાભિષેક સુધીના વિવિધ પ્રસંગો ખૂબ જ સુંદર રીતે ઝાંખીના રૂપમાં રજૂ કર્યા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500