ચૂંટણી પંચ દ્વારા ગુરુવારે ગુજરાત રાજ્યની વિધાનસભાની ચૂંટણી અંગેની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં સુરત અને તાપી જિલ્લામાં આવેલ વિધાનસભાની કુલ 8 બેઠક પર પહેલા જ તબક્કામાં એટલે કે તારીખ 01 ડિસેમ્બરનાં રોજ ચૂંટણી યોજાશે અને પરિણામ તારીખ 8 ડિસેમ્બરે જાહેર થશે. રાજ્યની વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંની સાથે જ બંને જિલ્લામાં આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે અને સરકારી તંત્ર દ્વારા સરકારી જાહેરાતો અને અન્ય રાજકીય બેનરો ઉતારવી લેવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.
સુરત અને તાપી જિલ્લાની બેઠકોની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં ઓલપાડ, માંગરોળ, માંડવી, કામરેજ, બારડોલી અને મહુવા બેઠકનો સમાવિષ્ટ થાય છે. આ 6 બેઠકો પૈકીની એક માત્ર માંડવી બેઠક કોંગ્રેસ પાર્ટી પાસે છે, જ્યારે બાકીની 5 બેઠક સત્તાધારી ભાજપના ખાતામાં જમા છે. એજ રીતે તાપી જિલ્લાની રાજકીય સ્થિતિ પર નજર નાખીએ તો જિલ્લામાં વ્યારા અને નિઝર બેઠક આવે છે અને આ બંને બેઠકો પર કોંગ્રેસ પાર્ટી રાજ છે. ગત ટર્મમાં સુરત જિલ્લામાં આવેલ ઓલપાડની બેઠક ભાજપ પાર્ટીનાં ઉમેદવાર મુકેશભાઈ પટેલે મોટા માર્જિન સાથે એટલે કે 61578 મત સાથે જીતી હતી.
જે બંને જિલ્લામાં જીતના અંતરની દ્રષ્ટિએ સહુથી વધારે છે જ્યારે મહુવા બેઠક પર BJPનાં જ મોહનભાઈ ધોડિયાએ કોંગ્રેસના તાપી જિલ્લાના નેતા એવાં તુષારભાઈ ચૌધરી ને માત્ર 6433 મતના અંતરથી હરાવ્યાં હતાં. જયારે વધુમાં ગત ટર્મમાં એટલે કે વર્ષ-2017નાં વર્ષમાં બંને જિલ્લામાં BJP અને કોંગ્રેસ સિવાયની કોઈ પણ ત્રીજી પાર્ટીએ ખાસ કંઈ પોતાની ઉપસ્થિતિ નોંધાવી ન હતી. પરંતુ આ સમયે આપ પાર્ટી ત્રીજી પાર્ટી તરીકે મેદાનમાં છે.
જેથી અમુક બેઠકો પર રસપ્રદ મુકાબલો જોવા મળે તેવી શક્યતા છે. આ વખતની ચૂંટણીમાં સુરત અને તાપી જિલ્લામાં થઈ નવા ઉમેરાયેલા 3.60 લાખ જેટલાં યુવા મતદારો પણ નિર્ણાયક ભૂમિકા ભજવશે એવું લાગે છે. બંને જિલ્લામાં બેઠકો પર આપ દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે, જ્યારે બંને મુખ્ય પક્ષ દ્વારા સેન્સ લેવાની અને જીતી શકે એવાં ઉમેદવારોની શોધ ચાલી રહી છે.
વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાં જ રાજ્યભરમાં આચાર સંહિતાનાં અમલની શરૂઆત કરવામાં આવી જેના ભાગ રૂપે બારડોલી નગરમાં પણ બપોરે 1 વાગ્યાથી પાલિકા દ્વારા નગરમાં લગાવાયેલ રાજકીય બેનરો, મોટા હોર્ડિંગ્સ તેમજ પેન્ટિંગ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જિલ્લા ભરમાં લાગેલા રાજકીય બેનરો, દીવાલ પરના પેઇન્ટિંગ તેમજ બેનરો અને જાહેર જગ્યાએ લગાવાયેલા પક્ષનાં ચિન્હો હટાવવા તંત્રએ કમર કસી છે. ત્યારે બારડોલી નગરનાં અમુક વિસ્તારોમાંથી હોર્ડિંગ્સ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે તો તાલુકાના પણ વિવિધ ગામોમાં તલાટીઓને ગામની જાહેર જગ્યાએ લાગેલા રાજકીય બેનરો હટાવવા સૂચન કરાયું છે.
ગુજરાત વિધાનસભાની ચૂંટણી જાહેર થતાંજ રાજ્ય ભરમાં આચારસંહિતા લાગુ થઈ છે. ત્યારે ગુરુવારે બપોર બાદ નીકળેલી કોંગ્રેસની પરિવર્તન યાત્રા બારડોલી પહોંચી હતી. જે યાત્રાની આચાર સંહિતા બાદની પરમિશન ન હોવાને લીધે બારડોલી પ્રાંત અધિકારીએ પોલીસ કાફલા સાથે પહોંચી ગાંધી રોડ પાર યાત્રા અટકાવી હતી. જોકે, આ યાત્રાની મંજૂરી અગાઉથી લેવામાં આવી હતી. પરંતુ આચાર સંહિતા લાગુ થઈ હોવાથી બારડોલી પ્રાંત અધિકારીએ યાત્રા અટકાવી નિયમ મુજબ નવી પરમિશન લેવા માટે કોંગી આગેવાનોને જણાવ્યું હતું. જોકે કોંગ્રેસની યાત્રાના રૂટ મુજબ જ નવી પરમિશન આપી યાત્રા ફરી શરૂ કરવામાં આવી હતી.
સુરત અને તાપી જિલ્લામાં થઈ વિધાનસભાની કુલ 8 બેઠક આવે છે. તેમાં ઓલપાડ, માંગરોળ, કામરેજ, બારડોલી અને મહુવા બેઠક પર ગત ટર્મમાં BJPનાં ઉમેદવાર વિજેતા બન્યા હતાં જ્યારે માંડવી, વ્યારા અને નિઝર બેઠક પર કોંગ્રેસનાં ઉમેદવારો જીત્યા હતાં.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500