Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુક્રેનનાં નોવા કખોવકા ડેમ પર થયેલ હુમલામાં દિવાલનો એક ભાગ તૂટી પડતાં નીચાણવાળા વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ

  • June 07, 2023 

દક્ષિણ યુક્રેનમાં રશિયાનાં નિયંત્રણવાળા ભાગમાં સ્થિત નોવા કખોવકા ડેમ પર હુમલો થતાં તેની દિવાલનો એક ભાગ તૂટી પડયો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવ્યું છે અને યુરોપનો સૌથી મોટો પરમાણુ વીજ એકમ જોખમમાં મુકાયો છે. એટલું જ નહીં અહીં પીવાનાં પાણીનાં પુરવઠાની પણ તંગી સર્જાવાનું શરૂ થયું છે. ડેમનાં નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો પર પૂરનું જોખમ સર્જાતા રશિયા અને યુક્રેન બંનેએ તેમના નિયંત્રણ હેઠળનાં વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવાનું શરૂ કર્યું છે.


આ સાથે ડેમ પર હુમલા માટે યુક્રેન અને રશિયાએ એકબીજા પર દોષારોપણ કર્યું છે. રશિયાના નિયંત્રણ હેઠળના ખેરસોન પ્રાંતમાં નિપ્રા નદી પર આવેલા ડેમ પર મંગળવારે હુમલો થયો હતો, પરંતુ આ હુમલો કોણે કર્યો તે સ્પષ્ટ થઈ શક્યું નથી. જોકે, ડેમ તૂટવાનું કારણ વિસ્ફોટ માનવામાં આવે છે. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કીએ રશિયાના આતંકીઓ પર ડેમ તોડી પાડવાનો આરોપ મૂક્યો છે. તેમણે કહ્યું કે, રશિયા આતંકવાદી. નોવા કખોવાકા ડેમનો વિનાશ આખી દુનિયા સમક્ષ પુરવાર કરે છે કે, રશિયનોને યુક્રેનની ભૂમિના દરેક ખૂણેથી બહાર ફેંકી દેવાયો જોઈએ.


તેમણે ટ્વીટ કરીને લક્યું કે, રશિયા માટે એક મીટર પણ જમીન છોડવી જોઈએ નહીં, કારણ કે તેઓ એટલી જમીનનો પણ આતંક માટે ઉપયોગ કરશે. આતંકીઓ યુક્રેનને પાણી, મિસાઈલ અથવા અન્ય કોઈપણ વસ્તુઓથી રોકી નહીં શકે. બીજીબાજુ નોવા કખોવકામાં નિયુક્ત રશિયન અધિકારી વ્લાદિમિર લિયોન્ટેવે જણાવ્યું કે, ડેમને નુકસાન યુક્રેનના હુમલાના કારણે થયું છે. જોકે, ઝેપોરિજિયમાં નિયુક્ત અન્ય એક રશિયન અધિકારી વ્લાદિમિર રોગોવે કહ્યું કે, ડેમને પહેલાથી નુકસાન થયું હતું અને પાણીના દબાણના કારણે તે તૂટી પડયો.


ડેમને નુકસાન થવાથી ઘલો, રસ્તા પર અને દુકાનો-ઓફિસોમાં પાણી ભરાઈ ગયા હતા અને ઈમર્જન્સી વિભાગના અધિકારીઓએ તાત્કાલિક વિસ્તારને ખાલી કરાવવાની કામગીરી શરૂ કરી હતી. ખેરસોનમાં રશિયાના નિયંત્રણ હેઠળના વિસ્તારમાં ૨૨,૦૦૦થી વધુ લોકો જ્યારે યુક્રેનના નિયંત્રણવાળા વિસ્તારમાં ૧૬,૦૦૦ લોકો પર પૂરનું જોખમ તોળાયું છે. ડેમ તૂટવાની આ ઘટનાએ યુક્રેનમાં રશિયાના યુદ્ધને એક નવું પરિમાણ આપ્યું છે. નોવા કખોવકા ડેમ દક્ષિણ યુક્રેનના ખેરસોન શહેર પાસે રશિયા નિયંત્રિત વિસ્તારમાં છે.


રશિયન સૈન્યે માર્ચ ૨૦૨૨માં ખેરસોન પર કબજો કરી લીધો હતો. જોકે, નવેમ્બર ૨૦૨૨માં યુક્રેને જવાબી હુમલા કરી રશિયા પાસેથી આ પ્રાંત પોતાના કબજામાં કરી લીધો હતો. ત્યાર પછી રશિયન સૈન્ય નીપ્રો નદીના દક્ષિણી કિનારે પાછી હટી ગઈ હતી. રશિયા અત્યારે ડેમના દક્ષિણ વિસ્તારમાં જ્યારે યુક્રેન ઉત્તર વિસ્તારમાં પ્રભુત્વ ધરાવે છે. આવી સ્થિતિમાં ડેમ તૂટવાથી રશિયાને સૌથી વધુ નુકસાન થઈ રહ્યું છે. તેનાથી રશિયન ટેન્કો અને તોપો સહિત આર્મીને ઓપરેશનમાં મુશ્કેલી પડી રહી છે. નોવા કખોવકા ડેમ ૯૮ ફૂટ ઊંચો અને ૩.૨ કિ.મી લાંબો છે.


આ ડેમના જળાશયમાંથી ઝેપોરિજિયા પરમાણુ વીજ એકમમાં છ રિએક્ટરોને કૂલિંગ કરવા માટેનું પાણી પૂરું પાડવામાં આવે છે. પરમાણુ ઊર્જા એકમમાં પાણીની અછત સર્જાશે તો તેનાથી રિએક્ટર ગરમ થઈ શકે છે અને તેના પગલે વિસ્ફોટની સંભાવના અનેક ગણી વધી જાય છે. અમેરિકા નિર્મિત એફ-૧૬ ફાઈટર વિમાનો પરમાણુ હથિયારો લઈ જવા સક્ષમ છે. આ વિમાનો યુક્રેનને આપવા અંગે અમેરિકામાં હિલચાલ ચાલી રહી છે ત્યારે રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે ચેતવણી આપી હતી કે યુક્રેનને પરમાણુ શસ્ત્રોથી સજ્જ એફ-૧૬ વિમાનો આપવામાં આવશે તો યુદ્ધ વધુ ગંભીર બનશે અને તેના પરિણામો વધુ ખરાબ આવશે.


રશિયાના સંરક્ષણ મંત્રાલયની વેબસાઈટ પરની ટ્રાન્સક્રિપ્ટ મુજબ તાજિકિસ્તાનના દુશાંબેમાં એક સૈન્ય એરપોર્ટ પર એક ભાષણમાં લાવરોવે આ ધમકી આપી હતી. યુક્રેનના પ્રમુખ વોલોદિમિર ઝેલેન્સ્કી લાંબા સમયથી અમેરિકા પાસે એફ-૧૬ ફાઈટર જેટની માગણી કરી રહ્યા છે. ઝેલેન્સ્કીનું કહેવું છે કે યુક્રેની પાયલટો સાથે એફ-૧૬ નિશ્ચિત સંકેત આપશે કે રશિયાનું આક્રમણ તેની હાર સાથે પૂરું થશે. સંયુક્ત રાષ્ટ્રની સર્વોચ્ચ કોર્ટમાં મોસ્કો સામે કેસ શરૂ થતાં યુક્રેનના ટોચના રાજદ્વારીએ રશિયાને 'આતંકી દેશ' ગણાવ્યો હતો અને યુક્રેનના વકીલોએ દલીલ કરી હતી કે રશિયાએ ૨૦૧૪માં પૂર્વીય યુક્રેનમાં બળવાખોરોને ઉશ્કેરીને આતંકવાદને પ્રોત્સાહન આપ્યું હતું.


યુક્રેને ૨૦૧૪ની ૧૭ જુલાઈએ રશિયાનું પીઠબળ ધરાવતા આતંકીઓએ મલેશિયન એરલાઈન્સની ફ્લાઈટ એમએચ૧૭ તોડી પાડવા સહિત યુક્રેનના પ્રાંતોમાં હુમલા કરવા માટે મોસ્કોને વળતર ચૂકવવાનો આદેશ આપવા કોર્ટ સમક્ષ માગણી કરી હતી. યુક્રેનના વકીલ હેરોલ્ડ કોહે જણાવ્યું હતું કે, તેમના દેશમાં આતંકીઓને હશિયારો પૂરાં નહીં પાડવાની સૂચના છતાં તેઓ યુક્રેનમાં વધુ ઘાતક હથિયારો લઈ આવ્યા અને યુક્રેનના નાગરિકોએ વધુ હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application