વલસાડના મોગરાવાડીમાં આવેલી એક ચાલીમાં રહેતા શ્રમજીવી યુવકે બિયર પીવડાવવાની ના પાડતા ક્રોધે ભરાઈને તેના પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવાના ગુનામાં સંડોવાયેલા ચાલીના માલિકના આરોપી પુત્રને કોર્ટે તકસીરવાન ઠેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મોગરાવાડીમાં આવેલ હનુમાન ફળિયામાં સ્થિત રઘુનાથ યાદવની ચાલમાં એક રૂમમાં રહેતો ફરિયાદી ગુલશનકુમાર સિંગ અને તેનો મિત્ર રાહુલ ગત તારીખ ૦૭/૦૩/૨૦૨૦નાં રોજ રાત્રે રૂમમાં બેસીને પોતાની દૈનિક કમાણીના પૈસાની ગણતરી કરતા હતા.
ત્યારે ચાલીમાલિક રઘુનાથ યાદવનો પુત્ર ગણેશ ઉર્ફે ચીકુ યાદવ રૂમમાં પહોંચ્યો હતો અને બંને મિત્રોને આજે તો તમારી સારી એવી કમાણી થયેલ છે, મને બિયર પીવા પૈસા આપ નહીં તો મને તું બિયર પીવડાવ એમ કહેતા ગુલશનકુમાર સીંગએ ના પાડી હતી. જેથી આરોપીએ તેના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કરતા ફરિયાદીએ આરોપીને ધક્કો મારી દીધો હતો. તેથી રોષે ભરાયેલા આરોપીએ રૂમમાં પડેલો બરફ તોડવાનો લોખંડનો સોયો લઈને ગુલસનસિંગની છાતીની ડાબી બાજુએ મારી દીધા હતા. એટલું જ નહીં, તેણે પેન્ટના ખિસ્સામાંથી ચપ્પુ કાઢી ફરિયાદીના પીઠના ભાગે ત્રણ ઘા મારીને લોહીલુહાણ કર્યા બાદ ભાગી છુટ્યો હતો.
ઈજાગ્રસ્તને ગંભીર હાલતમાં વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. સીટી પોલીસે ગુલશનકુમારની ફરિયાદને આધારે આરોપી ગણેશ યાદવ વિરૂધ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. જે અંગેનો કેસ વલસાડના સત્ર ન્યાયાધીશની કોર્ટમાં ચાલી જતા વી.પી.પી.ભરતભાઈ આર. પ્રજાપતિની દલીલોને ગ્રાહ્ય રાખીને ન્યાયાધીશ વી.કે.પાઠકે આ કેસના આરોપી ગણેશ યાદવને ઈ.પી.કો.ની કલમ-૩૦૭ના ગુનામાં તક્સીરવાન ઠેરવીને ૦૫ વર્ષની સખત કેદની સજા તથા રૂપિયા ૧૦૦૦નો દંડ અને દંડ ન ભરે તો વધુ ૦૩ માસની સાદી કેદની સજા ભોગવવાનો હુકમ કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500