જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષા દળોએ આજે સવારે એક મોટું ઓપરેશન હાથ ધર્યું હતું. કુલગામ જિલ્લાના કાદર વિસ્તારમાં થયેલા આ એન્કાઉન્ટરમાં પાંચ આતંકી ઠાર માર્યાના અહેવાલ છે. આ ઉપરાંત એન્કાઉન્ટરમાં બે જવાન પણ ઘાયલ થયા છે. ભારતીય સેનાના ચિનાર કોર્પ્સનું કહેવું છે કે આતંકીઓએ સુરક્ષા દળો પર ભારે ગોળીબાર શરૂ કરી દીધો હતો. ચિનાર કોર્પ્સે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોસ્ટ કરી માહિતી આપી છે.
જેમાં લખ્યું કે, 'કુલગામના કાદરમાં 19મી ડિસેમ્બરે આતંકીઓ હોવાની માહિતી મળી હતી. ભારતીય સેના અને જમ્મુ અને કાશ્મીર પોલીસ દ્વારા કાદર, કુલગામમાં સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ ઓપરેશનમાં સુરક્ષા દળોએ પાંચ આતંકીઓને ઠાર માર્યા છે. એન્કાઉન્ટર દરમિયાન બે જવાનો ઘાયલ થયા છે અને તેમને તબીબી સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, ત્રીજી ડિસેમ્બરે સુરક્ષા દળોએ શ્રીનગર જિલ્લામાં એક ઓપરેશન દરમિયાન જુનૈદ અહેમદ ભટ્ટ નામના આતંકીને ઠાર માર્યો હતો. ત્યારે પોલીસે માહિતી આપી હતી કે જુનૈદ અહેમદ ભટ્ટે ગગનગીર, ગાંદરબલ અને અન્ય ઘણી જગ્યાએ નાગરિકો પર હુમલામાં સામેલ હતો. આ એન્કાઉન્ટર એવા સમયે થયું છે જ્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ નવી દિલ્હીમાં સુરક્ષા મુદ્દાઓ પર ઉચ્ચ સ્તરીય બેઠક યોજવાના છે. આ બેઠક આજે થઈ શકે છે. બેઠકમાં જમ્મુ-કાશ્મીરની સ્થિતિ પર વિશેષ ભાર આપવામાં આવી શકે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500