Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સાળંગપુર હનુમાનજી મંદિર પાસે પાર્ક કરેલ પાંચ-છ કારમાં આગ લાગતાં કાર બળીને ખાખ થઇ

  • June 12, 2023 

બરવાળા તાલુકાનાં સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર હનુમાનજી ખાતે બપોરે ભારે પવનને કારણે વીજળીનાં તાર અથડાતા તેમાંથી તીખારા જમીન પર પડેલા કચરા પર પડતા આગ લાગી હતી અને જોત જોતામાં ત્યાં બાજુમાં યાત્રાળુઓએ પાર્ક કરેલી ફોર વ્હીલ કારોમાં આગ લાગતા જોત જોતામાં પાંચ-છ જેટલી ફોર વ્હીલ કારો બળીને ખાક થઇ હતી. બનાવની વિગત એવી છે કે, સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર મુકામે દરરોજ હજારોની સંખ્યામાં યાત્રાળુઓ બીએપીએસ મંદિર તેમજ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના દર્શન કરવા આવે છે એમાંય ખાસ કરીને શનિ-રવિ અને જાહેર તહેવારોમાં અંદાજે પંદરથી વીસ હજાર જેટલા યાત્રાળુઓ આવે છે.


ખાસ કરીને મોટાભાગના યાત્રાળુઓ ફોર વ્હીલ કાર લઇને આવતા હોય છે પરંતુ સાળંગપુરમાં એક-બે પાર્કિંગને બાદ કરતા ત્યાં વાહન પાર્ક કરી શકાય તેવી કોઇ વ્યવસ્થા નથી જેના કારણે યાત્રાળુઓ મેઇન રોડની બંને સાઇડ વાહન પાર્ક કરે છે અને ચાંચરીયા તરફ જતા રસ્તા પર વાહનો પાર્ક કરે છે. આજ સવારથી જ બિપોરજોય વાવાઝોડાને પગલે બરવાળા પંથકમાં ભારે પવન ફૂંકાઇ રહ્યો છે જેના પરિણામે ચાંચરીયા રોડ પર યાત્રાળુઓએ પોતાના વાહનો પાર્ક કર્યાં હતાં. બપોરે બે વાગ્યાનાં સુમારે પવનની તિવ્રતા વધતા વીજ વાયરો અથડાયા અને તેના તીખારા ત્યાં રોડ પર પડેલા કાગળના કચરા પર પડયા અને કાગળો સળગી ઉઠયા.


ભારે પવનને કારણે આ આગ રોડની બંને બાજુ વાડ આવેલી હોવાના કારણે ખેતરની વાડો પણ સળગવા લાગી અને જોત-જોતામાં તો આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા ચાંચરીયા રોડ પર બંને સાઇડમાં પાર્ક કરેલ ફોર વ્હીલ કારોને ઝપટમાં લેતા ચાર-પાંચ કારો ભડભડ સળગી ઉઠી અને આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધુ. પવનને કારણે આકાશમાં ધુમાડાના ગોટે ગોટા આકાશમાં છવાઇ ગયા. આગની જાણ થતાં જ બરવાળા પોલીસ સ્ટાફ અને બોટાદ નગરપાલિકાનાં ફાયરના બંબા સાળંગપુર ધસી આવ્યા અને ભારે જહેમત બાદ આગને કાબુમાં લીધી હતી.


જ્યારે અન્ય પાર્ક કરેલી ગાડીઓના કાચ પોલીસે ફોડી નાખી વધુ જાનહાની ન થાય તે માટે આગોતરા પગલા લીધા હતાં. આમ છેલ્લા દોઢ-બે વર્ષથી સાળંગપુર મુકામે હજારો યાત્રાળુઓ દર્શન કરવા આવી રહ્યા છે. પરંતુ સાળંગપુર મુકામે પાર્કિંગની કોઇ વ્યવસ્થા ન હોવાને કારણે યાત્રાળુઓને પોતાના વાહનો ગમે ત્યાં પાર્કિંગ કરવાની ફરજ પડે છે. શોર્ટ સર્કિટને કારણે લાગેલી આગમાં કેટા, સેન્ટ્રો, મારૂતિ ઇકો, મારૂતિ અલ્ટો અને મહિન્દ્રા ટીયુવી જેવી નવી પાંચ કારો બળીને ખાખ થઇ ગઇ હતી. આ ઘટનાને પગલે કોઇ જાનહાની થયેલ નથી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application