અમદાવાદનાં ચાણક્યપુરી વિસ્તારનાં શિવમ આર્કેડ સોસાયટીમાં હથિયારધારી અસામાજિક તત્વોએ આંતક મચાવ્યો હોવાની ઘટના બની છે. સોસાયટીમાં અસામાજિક તત્ત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. આ મામલે પોલીસે પાંચ આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત આરોપીઓને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાશે. સૂત્રોના જણાવ્યાનુસાર, ચાણક્યપુરીમાં બનેલી ઘટનાને લઈને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અમદાવાદ પોલીસ કમિશનર અને શહેર પોલીસને કેટલાક સવાલ કર્યા છે.
સોસાયટીના લોકોએ 100 નંબર પર ફોન કર્યો હતો છતા પોલીસ અડધો કલાક સુધીમાં કેમ ઘટના સ્થળે ન પહોંચી? સમગ્ર ઘટના મામલે કાર્યવાહી કરવામાં પોલીસ કેમ નિષ્ફળ રહી? વહેલી તકે મામલા પર કાબુ કેમ ન મેળવાયો. આ ઘટનાને અંગે હર્ષ સંઘવીએ એ પણ સુચના આપી છે કે દોષિતો સામે કડક કાર્યવાહી કરો, ઘટનામા કાંઈ કાચુ ન કપાય તેનું ધ્યાન રાખવું. આ ઉપરાંત ઘટનાને લઈને લોકોમાં જે ડરનો માહોલ ફેલાયો છે તેને દૂર કરવાના પ્રયાસ કરવાની પણ સૂચના આપી છે. ચાણક્યપુરીનાં શિવમ આર્કેડ સોસાયટીમાં અસામાજિક તત્વોના એક ટોળાએ હાથમાં તલવાર, પથ્થર અને અન્ય ઘાતક હથિયાર સાથે સોસાયટીમાં ઘૂસીને ધમાલ મચાવી હતી. સ્થાનિકોનું કહેવું છે કે, ‘થોડા દિવસ પહેલા ભાડે રાખેલા મકાનમાં પાંચ લોકોએ દારુની મહેફિલ માણી હતી. આ પછી સોસાયટીમાં મહિલાની છેડતી કરી હતી. જેથી સિક્યુરિટી ગાર્ડ સહિતના લોકોએ તેમને પકડવાની કોશિશ કરી હતી, તો ત્રણ વ્યક્તિ ભાગી જઈને અન્ય 20થી વધુ લોકોના ટોળાને બોલાવીને બબાલ શરુ કરી હતી. જેમાં સિક્યુરિટીની કેબિન અને વાહનો નુકસાન પહોંચ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500