દિલ્હીમાં વધુ 1400 કિલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા હતાં આ સાથે જ દેશની રાજધાનીમાં અત્યાર સુધીમાં કુલ 4400 કીલો ફટાકડા જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસે ફટાકડા જપ્ત કરવાની સાથે પાંચ લોકોની ધરપકડ પણ કરી હતી. ઉત્તરપશ્ચિમ, દક્ષિણપૂર્વ અને દક્ષિણ જિલ્લાઓની પોલીસ ટીમો દ્વારા ત્રણ જગ્યાએ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પોલીસના જણાવ્યા અનુસાર મંગળવાર રાતે 10 વાગ્યે કન્હૈયા નગરમાં ગેરકાયદે ફટાકડા વેચાતા હોવાની માહિતી મળી હતી.
ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ઉત્તરપશ્ચિમ)નાં જણાવ્યા અનુસાર, આ બાતમીના આધારે 22 વર્ષીય મોહિત ગુપ્તાની ધરપકડ કરવામાં આવી છે. ગુપ્તાનાં જણાવ્યા અનુસાર, તેણે આ ફટાકડા ગયા વર્ષે ગાઝિયાબાદના એક ડીલર પાસેથી ખરીદ્યા હતાં અને તેને પોતાના ઘરમાં સાચવીને રાખ્યા હતાં. તેના ઘરમાંથી કુલ 570 કીલો ફટાકડા મળી આવ્યા હતાં.
બીજી તરફ દિલ્હી સરકારનાં પર્યાવરણ પ્રધાન ગોપાલ રાયે જણાવ્યું છે કે, દિવાળીનાં દિવસે ફટાકજા ફોડનારને 6 માસની જેલની સજા અને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે. પ્રધાને જણાવ્યું હતું કે, દિલ્હીમાં ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ કરનારને એક્સપ્લોસિવ્સ એક્ટની કલમ 9 બી હેઠળ 5000 રૂપિયાનો દંડ અને 3 વર્ષની જેલ ફટકારવામાં આવશે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500