સોનગઢ તાલુકાનાં જેસીંગપુરા ટેકરા પર ટ્રક પાર્ક કરી ઊંઘતા યુપીના ટ્રક ચાલકને પગમાં ચપ્પુ મારી રૂપિયા ૧૫૦૦૦ લૂંટી લેનારા સુરતનાં પાંચ ઈસમોને પોલીસે બીજા દિવસે વ્યારાનાં સરૈયા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા. સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ, સોનગઢનાં જેસીંગપુરા ટેકરા પાસે હાઈવેના સર્વિસ રોડ પર આવેલ જલારામ મંદિર પાસે ગત તારીખ ૨૩/૧૨/૨૦૨૪ નારોજ સવાર સમયે ઉત્તરપ્રદેશનો મહમદ ઈરસાદ મહમદ જમાલ પોતાની ટ્રક પાર્ક કરી સૂતો હતો. તે સમયે એક લીલા પીળા કલરની ઓટો રિક્ષામાં આવેલા પાંચ અજાણ્યા ઇસમોએ આ ટ્રક ચાલકને પગમાં ચપ્પુ મારી તેની પાસેનાં રૂપિયા ૧૫,૦૦૦ લુંટી લઈ વ્યારા તરફ ભાગી છુટ્યા હતા. આ લુંટ-ધાડના બનાવને લઈને તાપી પોલીસ હરકતમાં આવી હતી.
જિલ્લાના નાના મોટા રસ્તા ઉપર નાકાબંધી કરી તપાસ કરવામાં આવી રહી હતી. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે, લુંટના ગુનામાં સંડાવાયેલા જેવા જાણાતા ઈસમો રીક્ષામાં બેસી સોનગઢના ડોસવાડાથી વ્યારાનાં સરૈયા તરફ જઈ રહ્યાં છે. તેથી પોલીસે તારીખ ૨૪/૧૨/૨૦૨૪ નારોજ સરૈયા ચાર રસ્તા પર શંકાસ્પદ રિક્ષાને અટકાવી તપાસ કરતાં તેમાંથી પાંચ ઇસમો મળી આવ્યા હતા અને વધુ તપાસમાં તેઓ પાસેથી ૦૪ નંગ ચપ્પુ પણ મળી આવતા પોલીસે કડકાઈથી પુચ્છપરછ કરતા ઝડપાયેલા ઇસમોએ ગુનો કબૂલી લીધો હતો. ઝડપાયેલા અનવર શા બિકનશા ફકીર (ઉ.વ.૨૬., રહે.ભેસ્તાન, સુરત), એઝાઝ ફારુકભાઈ પટેલ (ઉ.વ.૨૦., રહે.રાંદેર રોડ, સુરત), સમીર ગફ્ફારભાઈ શેખ (ઉ.વ.૧૮., રહે.રાંદેર સુરત), સાબીર ઉર્ફે આરીફ મહેબુબ શેખ (ઉ.વ.૧૯., રહે. રાંદેર, સુરત) તથા એક ૧૫ વર્ષની વયના સગીરની અટક કરી હતી.
પોલીસે તેઓની વધુ પૂછપરછ કરતા આ પાંચે ઈસમો ગત તારીખ ૨૩/૧૨/૨૦૨૪ નારોજ સવારે ૫ વાગ્યે આરીફ્ની જીજે/૦૫/બીવાય/૨૮૦૨ નંબરની રિક્ષા લઈને મહારાષ્ટ્રનાં વિસરવાડી જવા માટે નીકળ્યા હતા. ત્યાંથી પરત સુરત ફરતા રસ્તામાં સોનગઢ ખાતે આવતાં તેઓએ પાર્ક કરેલી ટ્રકનાં ચાલકને લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. તે દરમિયાન એક ટ્રકનો ચાલક ઉઘતો મળતા તેને ચપ્પુ મારી રૂપિયા ૧૫,૦૦૦ લુંટી સુરત તરફ ભાગ્યા હતા. પરંતુ પોલીસની બીકે તેઓએ માંડળ ટોલનાકા પહેલા ડોસવાડા તરફ તેમની રિક્ષા હંકારી મુકી હતી અને રાત્રે જંગલ વિસ્તારમાં રોકાઈને બીજા દિવસે સવારે લોકોને સુરત જવાનો રસ્તો પૂછતા જતા હતા. ત્યારે સરૈયા ચાર રસ્તા પાસેથી પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા. ઝડપાયેલા આરોપી પૈકી ચાર રીઢા ગુનેગાર છે. તેઓ પાસેથી પોલીસે ૦૪ નંગ ચપ્પુ, રોકડા રૂપિયા ૧૧,૨૦૦/-, રૂપિયા ૩૦,૦૦૦/-ની કિંમતની રિક્ષા મળી કુલ રૂપિયા ૬૧,૨૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500