Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બાપ્પાની મૂર્તિના સહારે 24 કલાક દરિયાના તોફાની લહેરો વચ્ચે જીવન ટકાવી રાખનાર બાળકને નવસારીના ભાટ ગામના માછીમારોએ બચાવી લીધો

  • October 02, 2023 

સુરતના ગોડાદરા સ્થિત આસપાસ નજીક રહેતા વિકાસ લાભુ દેવીપૂજકના બે દીકરા લખન, કરણ અને દીકરી અંજલિ તેમની દાદી સવિતાબેન સાથે ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ સુરતના પાર્લેપોઈન્ટ સ્થિત અંબાજી મંદિરે દર્શને ગયાં હતાં. જ્યાંથી દાદી ત્રણેય બાળકોને લઈ ડુમ્મસના દરિયા કિનારે ફરવા લઈ ગયાં હતાં અને દરિયા કિનારે પહોંચતાં જ 14 વર્ષીય લખન અને 11 વર્ષીય કરણ સવિતા દાદીની સૂચનાને નકારી દરિયામાં નહાવા પડ્યા હતા, પરંતુ બપોરના 1 થી 2ના સમયગાળામાં દરિયામાં ભરતી શરૂ થતાં લખન અને કરણ બંને ભાઈઓ દરિયામાં ખેંચાવા લાગ્યા હતા. જેમાં નજીકમાં ઊભેલા લોકોએ કરણને હાથ પકડી બચાવી લીધો હતો પણ લખન દરિયાનાં મોજાંમાં ખેંચાઈને લાપતા બન્યો હતો.



ઘટનાની જાણ થતાં દાદી સહિત પરિવારજનોમાં શોક ફેલાયો હતો. સ્થાનિક પોલીસ અને સુરત ફાયરને જાણ કરતા લખનની શોધખોળ આરંભી હતી પણ દરિયાનાં ઊછળતાં તોફાની મોજામાં લખન મળ્યો ન હતો. બીજી તરફ લખનના પિતા વિકાસ દેવીપૂજકે સમાજના આગેવાન સુરેશ વાઘેલાની મદદ લઈ દીકરાને શોધવા માટેના તમામ પ્રયાસો કર્યા હતા, પણ તેમને નિરાશા જ મળી હતી. જોકે, વિકાસ 24 કલાક દરિયા કિનારે રહી દીકરાનો મૃતદેહ પણ મળી જાય એવી આશા સેવી રહ્યા હતા. જયારે માતાજીના આશીર્વાદથી ચમત્કાર થયો અને દરિયામાં લખન જીવિત બચ્યો હોવાના સમાચાર મળતા જ પિતા વિકાસ સહિત પરિવારજનોમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.



જ્યારે લખન શનિવારની મોડી રાતે નવસારીના ધોલાઈ બંદરે આવશેની જાણ થતાં જ પિતા વિકાસ સમાજના આગેવાન સાથે ધોલાઈ પહોંચ્યા હતા. નવસારીના ભાટ ગામના માછીમાર રસિક ટંડેલ તેમની સાત ખલાસીઓની ટીમ સાથે 5 દિવસોથી દરિયો ખેડી રહ્યા હતા. રસિક ટંડેલની બોટ શનિવારે બપોરે નવસારીના કિનારેથી 18 નોટિકલ માઈલ એટલે કે અંદાજિત 22 કિમી અંદર હતી, ત્યારે વિસર્જિત ગણેશજીની પ્રતિમાના અવશેષ ઉપર કોઈક બાળક બેઠો હોય અને બચાવવા માટે હાથ કરી રહ્યો હોવાનું જણાયું હતું. જાણે દરિયામાં મોતના મુખમાંથી વિઘ્નહર્તાએ જ લખનને બચાવી નવજીવન આપ્યું હોય એમ રસિકે તેમની બોટ વિસર્જિત ગણપતિની પ્રતિમાના અવશેષ પર બેઠેલા લખન નજીક લઈ ગયા, તેને દોરડાની મદદથી બચાવી લીધો હતો. છેલ્લા 24 કલાકથી દરિયાની તોફાની લહેરો વચ્ચે જીવન ટકાવી રહેલો લખન ઘણો ગભરાઇ ગયો હતો.



જેથી રસિકે પ્રથમ તેને પાણી આપ્યા બાદ ચા અને બિસ્કિટ ખવડાવ્યાં હતાં. બાદમાં તેને હિંમત આપી થોડા સમય માટે સુવડાવી દીધો હતો. લખન જ્યારે નોર્મલ થયો, ત્યારે દરિયામાં કેવી રીતે આવ્યો અને પરિવારજનોની માહિતી મેળવી હતી. ત્યારબાદમાં રસિકે ગામના જ એક અન્ય માછીમારને જાણ કરી લખન મળ્યાની જાણ મરીન પોલીસને કરવા જણાવ્યું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક મોતને માત આપનાર લખનના પિતાને જાણ કરતા જ દીકરાના મૃતદેહને શોધતા પિતા વિકાસના જીવમાં નવી ઊર્જાનો સંચાર થયો હતો અને આંખોમાં અઢળક આંસુ સાથે ચહેરા પર ખુશી ફેલાઈ હતી. બીજી તરફ શનિવારે રાતે દોઢ વાગ્યા સુધીમાં ધોલાઈ બંદરે આવનારી રસિક ટંડેલની નવદુર્ગા બોટ આજે મળસકે 4:30 વાગ્યે બંદરે પહોંચી હતી.



જ્યાં લખન બંદરે ઊતરતા જ પિતા વિકાસે તેને ગળે લગાડી લાગણીઓના ઘોડાપૂર સાથે હેત વરસાવ્યું હતું. સુરતના ડુમ્મસના દરિયામાં ડૂબીને લાપતા થયેલો લખન દેવીપૂજક દરિયામાં જીવતો મળ્યો હોવાની જાણ થતાં નવસારીની મરીન પોલીસ સાથે જિલ્લા પોલીસ તંત્ર પણ સતર્ક થયું હતું. જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ તેમની ટીમ સાથે રાતે 12 વાગ્યે ધોલાઈ બંદરે પહોંચ્યા હતા. સાથે જ લખન બંદરે પહોંચે, ત્યારે એને યોગ્ય સારવાર મળી રહે એ હેતુથી ICU ઓન વ્હીલની વ્યવસ્થા કરી હતી. ડૉ. શાલીન પરીખ તેમની 5 સભ્યોની ટીમ સાથે ધોલાઈ બંદરે પહોંચ્યા હતા. જેમાં કિશોર દરિયામાં 36 કલાક જેટલો સમય રહ્યો હોવાથી શરીરના ટેમ્પ્રેચર માટે બોડી વોર્મર, વેન્ટિલેટર સાથે જ જરૂરી દવાઓ લાવ્યા હતા. જ્યારે લખન બંદરે ઊતર્યો કે તરત જ એને એમ્બ્યુલન્સમાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ એને વોર્મર સાથે ગરમ ધાબળો ઓઢાડી વધુ સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.



લખન દરિયામાંથી મળ્યો હોવાની જાણ થયા બાદ નવસારી પોલીસ પણ હરકતમાં આવી હતી અને જિલ્લામાં પોલીસ અધિકારીઓ લખન સુરક્ષિત બહાર આવે એના પ્રયાસોમાં આજે મળસકે સુધી ખડે પગે રહ્યા હતા. લખન સુરક્ષિત બંદરે આવ્યા બાદ એના સ્વાસ્થ્યની તકેદારી રાખી તેને પરિવારજનોને સોંપવાની પ્રક્રિયા હાથ ધરાશે. જીવન અને મોત ઉપરવાળાના હાથમાં છે આ ઉક્તિને 14 વર્ષીય લખને 24 કલાકથી વધુ સમય દરિયા સાથે બાથ ભીડીને સાબિત કરી બતાવી છે. જોકે લખન દરિયામાં ડૂબ્યો ત્યારથી જીવતો હોવાની જાણ અને બંદરે સુરક્ષિત બહાર આવ્યો ત્યાં સુધી અનેક લોકોએ એના જીવનને સુરક્ષિત રાખવા અથાગ પ્રયાસો કર્યા હતા, તેઓએ પણ કુદરતના ચમત્કાર સામે દંડવત્ કરી આનંદ વ્યક્ત કર્યો હતો.



નવસારી જિલ્લા પોલીસવડા સુશીલ અગ્રવાલે જણાવ્યું કે, ગત તારીખ 29 સપ્ટેમ્બરના રોજ બપોરના 12:30 વાગ્યાના સમયે લખન નામનો 14 વર્ષીય બાળક ડુમસના દરિયામાં વહી ગયો હતો. આજે નવસારી મરીન પોલીસને માહિતી મળી હતી કે, આ બાળક 24 કલાકથી વધુ સમય બાદ પણ દરિયામાં જીવિત છે જેની બાતમી મળતાં તાત્કાલિક અમે ધોલાઈ બંદર આવી પહોંચ્યા હતા. 18 નોટિકલ માઇલ્સ જેટલી 22 km સમુદ્રની અંદર કિશોર પહોંચી ગયો હતો અને ત્યાં માછીમારો દ્વારા બહાર કાઢવામાં આવેલો હતો. અત્યારે પોલીસ દ્વારા બાળકનું રેસ્ક્યૂ કરવામાં આવેલું છે. આ બાળકની હેલ્થ પણ સારી છે. એમ્બ્યુલન્સની અંદર પ્રેઝન્ટ ડોક્ટર દ્વારા પ્રાથમિક સારવાર પણ કરવામાં આવી છે.



તેમના વાઇટલ સાઇન સ્ટેબલ છે અને એમને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યો છે. લખનના મામાએ જણાવ્યું કે, અમે તેને પૂછ્યું કે તું કેવી રીતે દરિયામાં પહોંચ્યો તો કહે કે પત્થર પરથી મારો પગ લપસી ગયો હતો. જેથી તે દરિયામાં આશરે 22 કિલો મીટર આગળ નીકળી ગયો હતો. ગણપતિ મુર્તિની પાછળ સપોર્ટ માટે બનાવેલા લાકડાના પાટિયા પર તે એક રાત અને દિવસ બેસી રહ્યો હતો. લાંબા સમય બાદ નવસારીની બોટ આવીને તેને દરિયામાંથી બહાર કાઢ્યો હતો. માછીમારોએ જમાડ્યો હતો પછી મને જાણ કરી હતી. લખન જ્યારે મને મળ્યો ત્યારે જોતા જ રડી પડ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application