દિલ્હીમાં મંકીપોક્સના પ્રથમ દર્દીની પુષ્ટિ થઈ છે. પશ્ચિમ દિલ્હીનો એક 32 વર્ષીય વ્યક્તિ આ રોગથી સંક્રમિત મળ્યો છે. તેમને 15 દિવસથી તાવ અને મંકીપોક્સના લક્ષણો હતા. તેમને બે દિવસ પહેલા લોકનાયક જયપ્રકાશ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રવિવારે તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સંક્રમિત વ્યક્તિએ વિદેશ પ્રવાસ નથી કર્યો. અગાઉ દેશમાં મંકીપોક્સના ત્રણ કેસ નોંધાય ચૂક્યા છે.
આ અગાઉ શુક્રવારે મંકીપોક્સના ત્રીજા દર્દીની પુષ્ટિ થઈ હતી.35 વર્ષનો વ્યક્તિ આ મહિનાની શરૂઆતમાં સંયુક્ત આરબ અમીરાતથી કેરળ આવ્યો હતો. આ અંગે કેરળના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે કહ્યું હતું કે, મલપ્પુરમના વતની 6 જુલાઈના રોજ કેરળ આવ્યા હતા. તેમની મંજેરી મેડિકલ કોલેજમાં સારવાર ચાલી રહી છે. તેમની તબિયત સ્થિર છે. મંત્રીએ એમ પણ કહ્યું હતું કે, જે લોકો દર્દીના સંપર્કમાં આવ્યા હતા તેમના પર નજર રાખવામાં આવી રહી છે.
નિષ્ણાતોના મતે મંકીપોક્સ વાયરસ ખૂબ જ ઝડપથી મ્યૂટેટ થાય છે પરંતુ આ સંક્રમણનો ઈલાજ થઈ શકે છે. સારવાર લક્ષણો સાથે બદલાય છે. તેમણે કહ્યું કે, સંક્રમણની શરૂઆત તાવ, માથાનો દુખાવો અને ફ્લૂથી થાય છે. જેમ જેમ સંક્રમણ તીવ્ર બને છે તેમ શરીર પર લાલ ચાંદા દેખાય છે જેમાં ચિકનપોક્સ જેવી ખંજવાળ થવા લાગે છે. વાયરસના ઈન્ક્યૂબેશનનો સમયગાળો પાંચથી 21 દિવસનો હોય છે. WHOએ શનિવારે મંકીપોક્સને 'ગ્લોબલ હેલ્થ ઈમરજન્સી' જાહેર કરી છે.સંયુક્ત રાષ્ટ્રની સ્વાસ્થ્ય એજન્સીએ કહ્યું કે, 74 દેશોમાં તેનો પ્રસાર થવો તે કોઈ સાધારણ બાબત નથી. મે મહિના બાદથી અત્યાર સુધીમાં વિશ્વભરમાં મંકીપોક્સના 16 હજારથી વધુ કેસ નોંધાય ચૂક્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500