ભારતમાં Apple AirTag નો ઉપયોગ કરીને પીછો કરવાનો પ્રથમ કેસ નોંધાયો છે. એક સંબંધિત ઘટનામાં, અમદાવાદ સાયબર સેલે એક વ્યક્તિ સામે રિપોર્ટ દાખલ કર્યો છે,જેણે એક મહિલાનો પીછો કરવા માટે Apple AirTag નો ઉપયોગ કર્યો હતો. નાનું અને સિક્કાના કદ જેવું દેખાતું આ બ્લૂટૂથ ઉપકરણને સામાન્ય રીતે મૂલ્યવાન વસ્તુઓ અને ગેજેટ્સ શોધવામાં મદદ કરવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે.જોકે,આ કેસમાં ટ્રેકિંગ અને હેરાનગતિના હેતુઓ માટે તેનો દુરુપયોગ કરવામાં આવ્યો હતો. યુએસ અને અન્ય દેશોમાં એરટેગના માધ્યમથી પીછો કરવાના અનેક કિસ્સાઓ નોંધાયા છે પરંતુ,ભારતમાં આવું પહેલીવાર બન્યું હતું.
મીડિયા અહેવાલ મુજબ,આ ત્રાસદાયક કૃત્ય માટે જવાબદાર વ્યક્તિ મહિલાની ભૂતપૂર્વ પાર્ટનર હોવાનું માનવામાં આવે છે. તેણે એરટેગનો ઉપયોગ તેણીની હિલચાલ પર દેખરેખ રાખવા અને તેના ફોન કોલ રેકોર્ડ્સની ઍક્સેસ મેળવવા માટે કર્યો હતો. આ કેસમાં પોલીસે ભારતીય દંડ સંહિતાની કલમ 354 D અને માહિતી અને તકનીકી અધિનિયમની કલમ 66E હેઠળ પ્રથમ માહિતી અહેવાલ (FIR)નોંધ્યો છે, જે શારીરિક ગોપનીયતાના ઉલ્લંઘન સાથે સંકળાયેલ છે.પીડિતાને મે મહિનામાં પહેલીવાર આ અંગે ખબર પડી જ્યારે તેના iPhone 13 પ્રો મેક્સ ફોનમાં એરટેગ સંબંધિત એક મેસેજ આવ્યો હતો.
જોકે,મહિલાએ પહેલા ધ્યાન ન આપ્યું. પરંતુ,વારંવાર આ પ્રકારના મેસેજ આવતા તેણીને શંકા થઈ હતી કોઈ તેણીને ટ્રેક કરી રહ્યું છે.જુલાઈમાં,મહિલાએ સાયબર સેલમાં આ અંગે જાણ કરી હતી,જેમાં જણાવાયું હતું કે,તેના ડ્રાઈવર અને પુત્રીને પણ તેમના ફોન પર સમાન ચેતવણીઓ મળી હતી. મહિલાની શંકાના આધારે,એક કાર સર્વિસ સ્ટેશનની મુલાકાત લેવામાં આવી અને પછી એરટેગ શોધી કાઢ્યું. તે ડ્રાઇવરની સીટની પાછળના સીટ કવર હેઠળ છુપાયેલું હતું.
સાયબર સેલે તપાસ કરી મહિલાને હેરાન કરનારા વ્યક્તિની ઓળખ કરી તો જાણવા મળ્યું કે તે શખ્સ મહિલાનો ભૂતપૂર્વ પાર્ટનર છે.તેણે અન્ય કેટલીક મહિલાઓને પણ આ રીતે હેરાન કરી છે.જોકે,વિદેશમાં આ પ્રકારે પીછો કરવાના કેટલાક કિસ્સા સામે આવ્યા છે પરંતુ,ભારતમાં ટેક્નોલોજીના માધ્યમથી પીછો કરવાનો આ પ્રથમ કિસ્સો છે.આ મામલે સાયબર સેલે વધુ તપાસ હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500