Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

બીલીમોરા-વઘઇ વચ્ચે પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડશે : 62 કિલોમીટરની નેરોગેજ લાઇન પર હાઇડ્રોજન ટ્રેન શરૂ કરાશે

  • January 05, 2023 

રેલવે મંત્રાલય દ્વારા દેશમાં હાઈડ્રોજન ટ્રેન હાલમાં 8 હેરિટેજ રૂટ પર દોડશે. દેશમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા માટે રેલવે આ હેરિટેજ રૂટ પર હાઇડ્રોજન ટ્રેન ચલાવાની યોજના બનાવી રહી છે. રેલવે મંત્રાલય દ્વારા હાઈડ્રોજન ફોર હેરિટેજ જેમાં પ્રવાસન અને ગ્રીન એનર્જીને પ્રોત્સાહન આપવા હાઈડ્રોજન ટ્રેન ચલાવશે. જેમાં બીલીમોરા-વઘઇ વચ્ચે પ્રથમ હાઇડ્રોજન ટ્રેન દોડશે, 62 કિલોમીટરની આ નેરોગેજ લાઇન ઉપર હાઇડ્રોજન ટ્રેન શરૂ કરાશે. 111 વર્ષથી ચાલતી આ આદિવાસી વિસ્તારને શહેર સાથે જોડતી લાઈફ લાઇન સમાન નેરોગેજ રેલવે ટ્રેન મહારાજા સયાજીરાવ ગાયકવાડના સમયમાં શરૂ કરાઇ હતી. તેમની દુરંદેશીને કારણે જંગલની વિવિધ પેદાશ અને ઇમારતી લાકડુ વઘઇ સ્ટેશનથી લાદી 62 કિમી દૂર બીલીમોરા બંદરેથી વિદેશમાં નિકાસ કરાતું હતું.



હાલ ખોટ કરતી નેરોગેજ ટ્રેનને હેરિટેજ દરજ્જાને કારણે ચાલુ રખાઇ છે. ઘણી વાર આ ટ્રેન સરકાર દ્વારા બંધ પણ કરી દેવાઇ હતી, જે બાદ ફરી તેને ચાલુ કરાઇ હતી. હાલ હેરિટેજ ટ્રેન રૂટ પર જ આ હાઇડ્રોજન ટ્રેન દોડાવાની હોય હેરીટેજ દરજ્જાને ધ્યાને લઇ દેશની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરાઈ છે, જેને કારણે આ રૂટ ગ્રીન કોરિડોર બનશે. અગાઉ બીલીમોરા-વઘઇ હયાત નેરોગેજ લાઇનને બ્રોડગેજમાં રૂપાંતરિત કરી મહારાષ્ટ્રના મનમાડ સુધી લંબાવવાની માંગ હતી. હવે હેરિટેજ રૂટ ઉપર હાઇડ્રોજન ટ્રેનની જાહેરાત સામે આવી છે.




ગત માર્ચ મહિનાથી હયાત નેરોગેજ લાઇન ઉપર સોઈલ ટેસ્ટિંગ કરાતું હતું. જે શા માટે તેનું રહસ્ય અકબંધ હતું. હવે જાહેરાત બાદ હાઇડ્રોજન ટ્રેન માટે જ હતું એવી વ્યાપક ચર્ચા જાગી છે. ભારતીય રેલવેના હેરિટેજ રૂટ જે મુખ્યત્વે ડિઝલ પર ચાલે છે, તેમાં દાર્જિલિંગ હિમાલયન રેલવે, નીલગીરી માઉન્ટેન રેલવે, કાલકા સિમલા રેલવે, માથેરાન હિલ રેલવે, કાંગડા વેલી, બીલીમોરા-વઘઈ અને મારવાડ-દેવગઢ મદરીયાનો સમાવેશ થાય છે. આ તમામ રૂટ નેરોગેજ છે, જે તમામ હેરિટેજ રૂટ પર આ હાઇડ્રોજન ટ્રેન દોડશે. હાઇડ્રોજન સંચાલિત ટ્રેન કાર્બન ઉત્સર્જન ઘટાડવા અને આબોહવાને પ્રદુષિત કરશે નહીં. ડાંગ જિલ્લાના વઘઇ વેપારી એસોસિએશનના સભ્યોએ કેન્દ્રીય રેલવે મંત્રીની જાહેરાતના નિર્ણયને વધાવ્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application