Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સુરત શહેરથી સૌપ્રથમવાર આંતરડાનું દાન: આંતરડા મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે

  • April 14, 2023 

મૂળ તેલંગાણાના વતની અને સુરતના ગોડાદરામાં રહેતા ચિત્તયલ પરિવારે સ્વપ્નેય વિચાર્યું નહીં હોય કે પરિવારની ૩ વર્ષની માસૂમ દિકરીનો જન્મદિન તેના પિતાનો મૃત્યુદિન બનશે. આ પરિવારના ૩૨ વર્ષીય ભરતભાઈને માથાનો અસહ્ય દુઃખાવો ઉપડતા નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા, જ્યાં બ્રેઈનડેડ જાહેર થતા ચિત્તયલ પરિવારે ભારે હૈયે અંગદાન કરવાનો નિર્ણય કર્યો હતો. શોકાતુર પરિવારે બ્રેઈનડેડ યુવકના આંતરડા, લીવર અને બે કિડનીનું અંગદાન કરી માનવતાની મિસાલ પૂરી પાડી છે. ખાસ કરીને સુરત શહેરથી આ સૌપ્રથમ આંતરડાનું દાન થયું છે. આંતરડા મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. સ્વ.ભરતભાઈના ચાર અંગોના દાનથી જરૂરિયાતમંદ દર્દીઓને નવજીવન મળ્યું છે. આ સાથે નવી સિવિલમાં ૨૧મું સફળ અંગદાન થયું છે.

                

સુરતના ગોડાદરાની શંકરનગર સોસાયટીમાં રહેતા (મૂળ: હૈદરાબાદ, તેલંગાણા) ભરતભાઈ સત્યનારાયણજી સુરતની ટેક્ષ્ટાઈલ કંપનીમાં નોકરી કરીને પરિવારનું પાલનપોષણ કરતા હતા. ગત તા.૧૦મીના રોજ અચાનક માથામાં અસહ્ય દુ:ખાવો ઉપડતા બેભાન થઈને જમીન પર ઢળી પડ્યા હતા. જેથી પરિવારે તાત્કાલિક સુરત નવી સિવિલમાં સારવાર માટે દાખલ કર્યા હતા. જ્યાં આઈસીયુમાં ન્યુરો ફિઝીશિયન ડો.જય પટેલે સારવાર શરૂ કરી હતી. બે દિવસની સારવાર દરમિયાન તેમના સ્વસ્થ થવાની કોઈ શક્યતા ન હોવાથી તા.૧૨મીના રોજ તબીબોની ટીમે તેમને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા. તેમના મહામૂલા અંગોના દાનથી જરૂરિયાતમંદને નવજીવન મળી શકે તેમ હોવાથી તેમના પરિવારજનોને ડો.નિલેશ કાછડીયાએ અંગદાન અંગેની સમજ હતી.

              

પરિવારજનોએ જણાવ્યું હતું કે, અંગદાન વિશે અખબારો અને અને ન્યુઝ ચેનલોમાં ઘણી વખત વાંચ્યું અને જોયું છે. અંગદાનથી અન્ય લોકોને જીવનદાન મળે છે એવી અમને સામાન્ય સમજ છે. અમારા સ્વજન આ દુનિયામાં નથી રહ્યા, પણ અંગદાન કરવાથી તેઓ અન્ય જરૂરિયાતમંદ વ્યક્તિઓના શરીરમાં જીવંત રહેતા હોય તો એનાથી મોટું સેવાકાર્ય બીજું શું હોઈ શકે? અન્ય જરૂરિયાતમદ પરિવારના બાળકો પિતાની છત્રછાયા ન ગુમાવે એવી ભાવના વ્યક્ત કરીને અંગદાન માટે આગળ વધવા સંમતિ આપી હતી.

             

સ્વ.ભરતભાઈને સંતાનમાં એક પાંચ વર્ષની ઉન્નતિ અને ત્રણ વર્ષની સાનવી એમ બે દીકરીઓ છે. પિતા સત્યનારાયણ મજૂરી કામ જ્યારે માતા શકુંતલાબેન અને પત્નિ અમિતાબેન ગુહિણી છે. ગત તા.૧૨મી એપ્રિલે ત્રણ વર્ષની સાનવીનો જન્મદિન હતો, પણ જન્મદિનની ઉજવણી કરે એ પહેલા પિતા ભરતભાઈએ પરિવારની અંતિમ વિદાય લીધી, ત્યારે દુઃખદ ઘડીમાં અંગદાનનો નિર્ણય કરી સમાજ માટે પ્રેરણારૂપ બનનાર આ પરિવારની સંમતિ મળતા સોટો અને નોટોની ગાઈડલાઈન મુજબ અંગદાનની પ્રક્રિયા પાર પાડવામાં આવી હતી. જેમાં આજ રોજ અમદાવાદની IKDRC-ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડિસીઝ રિસર્ચ સેન્ટરની ટીમ દ્વારા સુરત સિવિલ આવીને બ્રેઈનડેડ યુવકની બે કિડની, લીવરનું દાન સ્વીકારીને અંગો અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. તેમજ આંતરડા મુંબઈની ગ્લોબલ હોસ્પિટલમાં દાખલ મહારાષ્ટ્રના ૪૦ વર્ષીય યુવાનમાં ટ્રાન્સપ્લાન્ટ કરવા માટે લઈ જવામાં આવ્યા હતા. સુરત પોલીસે અંગો લઈ જવા ગ્રીન કોરિડોર બનાવી ઉમદા સહયોગ આપ્યો હતો. 

             

અંગદાનના આ સેવા કાર્યમાં આર.એમ.ઓ. ડો.કેતન નાયક, મેડિકલ ઓફિસર ડો.લક્ષ્મણ ટેહલિયાની, ગુજરાત નર્સિંગ કાઉન્સિલના શ્રી ઈકબાલ કડીવાલા, સોટો ઓર્ગન ડોનેશન ટીમ, તબીબી અધિકારીઓ, નર્સિંગ અને સિક્યોરિટી સ્ટાફ તેમજ સ્વયંસેવકોએ જહેમત ઉઠાવી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application