રાજધાની દિલ્હીમાં પ્રદૂષણ એક મોટી સમસ્યા છે. હવે આ પ્રદૂષણની સમસ્યાનો સામનો કરવા માટે દિલ્હીમાં આ વર્ષે પણ ફટાકડા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. પર્યાવરણ મંત્રી ગોપાલ રાયે જણાવ્યું કે, શિયાળામાં પ્રદૂષણના જોખમને ધ્યાનમાં રાખીને ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ગોપાલ રાયે કહ્યું કે, કોઈ પણ પ્રકારના ફટાકડાની ઓનલાઈન ડિલીવરી અથવા વેચાણ પર પણ સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. ફટાકડા અંગે લોકોમાં કોઈ પણ પ્રકારની શંકા ન રહે તે માટે આ પ્રતિબંધ દરેક પ્રકારના ફટાકડા માટે માન્ય છે.
આ પ્રતિબંધ 1 જાન્યુઆરી 2025 સુધી દિલ્હીમાં લાગુ રહેશે ગોપાલ રાયે કહ્યું કે, દિલ્હી સરકાર નથી ઈચ્છતી કે, વેપારીઓ અને ડીલરોને કોઈપણ પ્રકારનું આર્થિક નુકસાન થાય. આવી કોઈપણ પરિસ્થિતિને ટાળવા માટે સમયસર તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ અને ઉપયોગ પર સંપૂર્ણ પ્રતિબંધ લાદવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. દિલ્હીમાં પ્રતિબંધનો કડક અમલ કરવા માટે દિલ્હી પોલીસ, DPCC અને મહેસૂલ વિભાગ સાથે સંયુક્ત એક્શન પ્લાન તૈયાર કરવામાં આવશે. તેમણે આગળ કહ્યું કે, દિલ્હી સરકાર પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે ખૂબ જ ગંભીર છે.
પ્રદૂષણને નિયંત્રણમાં લાવવા માટે સરકાર 21 ફોકસ પોઈન્ટ્સ પર આધારિત વિન્ટર એક્શન પ્લાન બનાવી રહી છે. આગામી દિવસોમાં વિન્ટર એક્શન પ્લાન પ્રમાણે વિવિધ અભિયાન ચલાવવામાં આવશે, જેથી પ્રદૂષણને નિયંત્રિત કરી શકાય. આવી સ્થિતિમાં અમારી દિલ્હી વાસીઓને અપીલ છે કે, પ્રદૂષણને નિયંત્રિત કરવા માટે સરકારને સાથ આપે. અમે દિલ્હી વાસીઓને એ જ કહેવા માગીએ છીએ કે, દીપક પ્રગટાવી અને મિઠાઈ વહેંચીને તહેવારની ઉજવણી કરો. આપણે તહેવારને ધૂમધામથી ઉજવવાનો છે પરંતુ એટલી જ જવાબદારીથી પ્રદૂષણ પર પણ લગામ લગાવવાનો છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500