પાંડેસરા જીઆઈડીસીમાં પ્રિન્ટર મશીનમાં આગ લાગવાની ઘટના સામે આવી છે. આગ લાગવાને કારણે હાજર કર્મચારીઓમાં નાસભાગ મચી ગઈ હતી. જે બાદ ત્યાંના કર્મચારીઓએ આ અંગે માલિકને જાણ કરી હતી.
કામ કરતા લોકોમાં નાસભાગ મચી
પ્રાપ્ત માહિતી અનુસાર,પાંડેસરા જીઆઈડીસીમાં આવેલી સાંઈ આશીર્વાદ સોસાયટીમાં શનિવારે સવારે ડિજિટલ પ્રિન્ટર મશીનમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ લાગતા જ ત્યાં કામ કરતા લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. પ્રિન્ટર મશીનમાં લાગેલી આગને ઓલવવા કર્મચારીઓ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ આગ ઓલવાઈ ન હતી ત્યારે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.
આગમાં પ્રિન્ટર મશીન સંપૂર્ણ બળીને ખાખ
ફાયર બ્રિગેડ પાસેથી મળેલી માહિતી મુજબ શનિવારે સવારે 7:30 વાગ્યે ઘટનાનો કોલ આવ્યો હતો. જે બાદ ભેસ્તાન અને મજુરા ફાયર સ્ટેશનની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. આ આગમાં પ્રિન્ટર મશીન સંપૂર્ણ બળીને ખાખ થઈ ગયું હતું તેમજ આસપાસમાં હાજર કાગળનો બેચ પણ બળીને ખાખ થઈ ગયો હતો. જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500