વાપી GIDCમાં 40 શેડ એરિયામાં આવેલ શ્રી જલારામ કેમ ટ્રેડ નામક ઇન્ક બનાવતી કંપનીમાં આગ લાગતા દોડધામ મચી ગઇ હતી. આગની ઘટનામાં એક બાઇક સહિત મશીનરી બળીને ખાખ થઈ હતી. ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી.
વાપી નોટિફાઇડ ફાયર વિભાગ તરફથી મળતી વિગતો મુજબ શનિવારે વાપી GIDCમાં 40 શેડ એરિયામાં આવેલ જલારામ કેમ ટ્રેડ નામક ઇન્ક બનાવતી કંપનીમાં આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. જે બાદ ફાયરના જવાનોને ફાયર બ્રાઉઝર અને ફાયર બોલ સાથે રવાના કર્યા હતાં. આગ જે કંપનીમાં લાગી હતી તે કંપનીમાં ઇન્ક બનાવવા માટે જ્વલનશીલ એવા રો-મટિરિયલ સહિત કેમિકલનો જથ્થો હોય ગણતરીની મિનિટમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.
આગ ને કારણે કંપનીમાં રહેલ તમામ મશીનરી અને એક બાઇક બળી ને ખાખ થયું હતું.આગ પર ફાયરના જવાનોએ તાત્કાલિક પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં ઓવર હિટિંગ ના કારણે અથવા તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું તારણ કાઢી વધુ તપાસ હાથ ધરી છે. આગની ઘટનામાં કોઈ જાનહાની નહિ થતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. ઉલ્લેખનીય છે કે કંપનીમાં આગ લાગતા આસપાસના વિસ્તારમાં ભારે દોડધામ મચી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500