મહેસાણા જિલ્લાના બહુચરાજી તાલુકામાં આવેલા મોઢેરા ગામમાંથી એક આગની ઘટના સામે આવી છે. મોઢેરા ગામમાં આવેલી જીવદયા પાંજરાપોળમાં ઘાસચારામાં ભીષણ આગ ભભૂકી ઊઠી હતી, જેમાં ઘાસચારાને મોટું નુકસાન થયું છે. જોકે આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. આ અંગે ફાયરબ્રિગેડની ટીમને જાણ કરાતા ફાયરની ટીમે ત્વરિત કામગીરી હાથ ધરી આગ પર કાબુ મેળવ્યો છે.
પાજરાપોળમાં ઘાસચારાને મોટું નુકસાન થયું
બહુચરાજી તાલુકાના મોઢેરા ગામમાં આવેલી જીવદયા પાંજરાપોળમાં શુક્રવારે સવારે ઘાસચારામાં આગ ભભૂકી ઊઠી હતી, જેના કારણે ઘાસચારાને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું છે. આગની ઘટનાની જાણ ફાયરબ્રિગ્રેડને કરાઈ હતી. આથી ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને આગ બૂઝાવવાની કામગીરી હાથ ધરી હતી. ફાયરબ્રિગેડની ટીમે પાણીનો મારો ચલાવી ભીષણ આગ પર કાબૂ મેળવ્યો છે. જોકે આ આગની ઘટનામાં અંદાજે 15 લાખ રૂપિયાના 17 હજાર ઘાસચારાના પૂળા બળીને ખાખ થયા હોવાની માહિતી મળી છે.
સ્ટાફ સહિત સ્થાનિક લોકોએ આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો
જીવદયા પાંજરાપોળમાં આગની ઘટનાથી અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પાંજરાપોળના સ્ટાફ સહિત સ્થાનિક લોકો ભેગા થયા હતા અને આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે આગ વધુ પ્રસરતા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. પાંજરાપોળમાં આગ લાગવાનું કારણ હાલ અકબંધ છે. આ આગની ઘટનામાં જીવદયા પાંજરાપોળમાં લગભગ 15 લાખ રૂપિયાના કુલ 17 હજાર જેટલા ઘાસચારાના પૂળા બળી જતાં પાંજરાપોળને મોટું નુકસાન થયું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500