Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ઉચ્છલનાં પરચુલી પ્રાથમિક શાળાનાં સ્ટોર રૂમમાં શોર્ટ સર્કિટથી આગ, સદ્દનસીબે જાનહાનિ ટળી

  • July 05, 2024 

ઉચ્છલનાં પરચુલી પ્રાથમિક શાળામાં સ્ટોર રૂમમાં અચાનક શોર્ટ સર્કિટથી આગ ભભૂકી ઊઠતા ઓરડામાં બેસી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઇ હતી, પરંતુ સમયસૂચકતા જાળવી શિક્ષકોએ વિદ્યાર્થીઓને સલામત સ્થળે ખસેડયા હતા. ફાયર સેફ્ટીનાં સાધનો દ્વારા પણ આગ ઉપર કાબૂ મેળવવામાં સફળતા ન મળતા આખરે સોનગઢ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરતા સ્થળ ઉપર દોડી આવી આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. કોઈપણ જાનહાનિ થઈ ન હતી. જોકે વાલીઓને રાજકોટવાળી ઘટના યાદ આવતા ગભરાટ વ્યાપ્યો હતો. ઉચ્છલ તાલુકાનાં પરચુલી ગામમાં આવેલી આદર્શ પ્રાથમિક શાળામાં તારીખ 3ના રોજ બપોર બાદ અચાનક આગની જ્વાળાઓ ભભૂકી ઊઠી હતી.


જોકે બાળકો રાબેતા મુજબ શાળાના ઓરડાઓમાં અભ્યાસ કરી રહ્યા હતા. તે સમયે સ્ટોર રૂમમાંથી કંઇક સળગી રહ્યાનું જણાતા શાળા સ્ટાફ સ્ટોરરૂમ તરફ દોડ્યો હતો. જયારે શોર્ટ સર્કિટ થવાથી આગ લાગી હોવાની જાણ થતા ઓરડાઓમાં બેસેલા વિદ્યાર્થીઓમાં પણ ગભરાટ વ્યાપ્યો હતો. જોકે સાવચેતીના ભાગરૂપે બાળકોને તાત્કાલિક શાળામાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. આગની જવાળાઓ ભીષણ સ્વરૂપ ધારણ કરે તે પહેલા શાળાના શિક્ષકોએ ફાયર સેફ્ટીનાં સાધનોનો ઉપયોગ કરી આગ ઉપર કાબૂ મેળવવાની કોશિશ કરી હતી. પરંતુ સફળતા ન મળતા ઘટના અંગે સોનગઢ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી.


કેટલાક ગ્રામજનો પણ સ્થળ ઉપર દોડી આવી આગને ઓલવવાની કોશિશ કરી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડ આવી પહોંચતા આગ ઉપર કાબૂ મેળવ્યો હતો. શાળામાં લાગેલી આગ અંગે તુરંત જાણ થતા મોટી હોનારતને થતા ટાળી શકાઇ હતી. વીતેલા દિવસોમાં બનેલી રાજકોટની આગ હોનારતથી ગામડાંઓના લોકો પણ વાકેફ હોવાથી શાળામાં લાગેલી આગની ઘટનાની જાણ થતા વાલીઓમાં પણ ગભરાટ છવાઈ ગયો હતો, પરંતુ સદ્દનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application