મરાઠા અનામત માટેના સૌથી મોટા કાર્યકર્તા મનોજ જરાંગે-પાટીલની મક્કમતા સામે આખરે મહારાષ્ટ્ર સરકારને ઝુકવું પડ્યું હતું. મરાઠા સમાજની ૧૩ માગણીઓનો સ્વીકાર કરવામાં આવ્યો હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું. બીજી તરફ ગમે તે હાલતમાં મુંબઈ આવવાની મનોજ જરાંગે-પાટીલની જાહેરાતને મુદ્દે તેમને સમજાવવામાં સરકાર સફળ થઈ હતી અને તેમને વાશીમાં જ વિજયોત્સવ કરવા માટે સમજાવી લેવામાં આવ્યા હતા.બે દિવસ પહેલાં મનોજ જરાંગે-પાટીલે કહ્યું હતું કે આરક્ષણનો અધ્યાદેશ કાઢવામાં આવશે તો હું ગુલાલ ઉડાવીને ઉજવણી કરવા માટે મુંબઈ આવીશ, પરંતુ તેમની માગણી સ્વીકાર્યા બાદ તેમને વાશીમાં જ ઉજવણી કરવા માટે મનાવી લેવામાં આવ્યા હતા.
શુક્રવારે મધરાત બાદ બે વાગ્યાની આસપાસ મુખ્ય પ્રધાન મનોજ જરાંગે-પાટીલને મળવા ગયા ત્યારે તેમની સાથે રાજ્યના પ્રધાનો દીપક કેસરકર અને મંગલપ્રભાત લોઢા હાજર હતા. સરકારે બધી જ માગણીઓ સ્વીકારી હોવાની જાહેરાત ખુદ જરાંગે-પાટીલે કરી હતી. તેમણે એમ પણ કહ્યું હતું કે સરકારે જાહેરનામું બહાર પાડ્યું હોવાથી મરાઠા સમાજના આંદોલનને મોટી સફળતા મળી છે.રાતના આ જાહેરાત કર્યા બાદ બે-ત્રણ કલાકની ઉંઘ લઈને તેઓ વાશીમાં સભાના સ્થળે પહોંચી ગયા હતા અને ૧૧.૪૫ વાગ્યે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના હસ્તે જ્યુસ પીને ઉપવાસ છોડ્યા હતા.
મરાઠા સમાજ દ્વારા કરવામાં આવેલી બધી માગણી અંગે અધ્યાદેશ કાઢવામાં આવ્યો છે એવી જાહેરાત કરતાં જરાંગે-પાટીલે કહ્યું હતું કે સરકારના જાહેરનામાની નકલ મને આપવામાં આવી છે.વંશાવળી માટે તાલુકા સ્તરે સમિતિ નિયુક્ત કરવામાં આવશે. મરાઠવાડામાં ઓછા પ્રમાણપજ્ઞ મળ્યા તે બાબતે હવે શિંદે સમિતિ ગેઝેટ બહાર પાડીને તેના પર કામ કરશે. વિધાનસભામાં પણ આ સંબંધે કાયદો કરવામાં આવશે. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ જ આપણું કામ કર્યું છે, એમ પણ તેમણે કહ્યું હતું.મનોજ જરાંગે-પાટીલે વાશીમાં જ ઉજવણી કરી હતી અને ત્યાંથી તેઓ પાછા પોતાના વતન જવા રવાના થઈ ગયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500