તમિલ ફિલ્મોના મોટા સ્ટાર અને તેમના ચાહકોમાં થલાપથી વિજય તરીકે જાણીતા અભિનેતાએ રાજકારણમાં પ્રવેશ કર્યો છે. ત્યારે રાજકારણમાં જોરદાર એન્ટ્રી સાથે અભિનેતાએ કોઈ પાર્ટી સાથે ના જોડાઈને પોતાની અલગ પાર્ટી બનાવી છે. થલાપતિ વિજયે ફિલ્મોથી રાજકારણ સુધીની સફર શરૂ કરી છે. આવી સ્થિતિમાં, થલાપતી વિજય માટે આ સંપૂર્ણપણે નવી શરૂઆત થવા જઈ રહી છે.
થલાપતિ વિજય કોઈ રાજકીય પક્ષમાં જોડાયા નથી, બલ્કે તેમણે પોતાનો અલગ રાજકીય પક્ષ બનાવ્યો છે. રાજકારણમાં આવવાની સાથે તેણે પોતાની પાર્ટીની આજે જાહેરાત પણ કરી દીધી છે. અભિનેતા વિજયની આ નવી પાર્ટીનું નામ તમિલ વેત્રી કજગમ છે. પાર્ટીએ આજે એ પણ સ્પષ્ટ કર્યું છે કે અભિનેતા વિજયની પાર્ટી આ વર્ષે લોકસભાની ચૂંટણીમાં ભાગ લેશે નહીં. પાર્ટીનું લક્ષ્ય 2026ની વિધાનસભા ચૂંટણીમાં જીત નોંધાવવાનું છે. આ વર્ષની લોકસભા ચૂંટણીમાં પાર્ટી કોઈપણ પક્ષને સમર્થન નહીં આપે. આ અંગે પણ સ્પષ્ટતા કરવામાં આવી છે. તમિલનાડુમાં અભિનેતા વિજયની ફેન ફોલોઈંગ જબરદસ્ત છે. રજનીકાંત અને કમલ હાસન પછી વિજયના સૌથી વધુ ચાહકો છે. અભિનેતા વિજયે થોડા સમય પહેલા રાજકારણમાં આવવાના સંકેત આપ્યા હતા.
અભિનેતા વિજય છેલ્લા કેટલાક સમયથી તમિલનાડુમાં પોતાની ફેન્સ ક્લબ દ્વારા સમાજ સેવાના કાર્યોમાં સક્રિયપણે જોડાયેલા છે. તમને જણાવી દઈએ કે, થલપતિ વિજય પહેલા સાઉથના ઘણા સ્ટાર્સ રાજકારણમાં આવી ચૂક્યા છે. ઘણા પ્રખ્યાત સ્ટાર્સે પણ પોતાની પાર્ટીઓનું આયોજન કર્યું હતું. સાઉથ ઈન્ડસ્ટ્રીમાં એવો ટ્રેન્ડ રહ્યો છે કે એક્ટિંગની સફળ કારકિર્દી પછી અભિનેતાઓ રાજકારણમાં પ્રવેશ કરે છે. તમિલ સિનેમાના દિગ્ગજ કલાકારો રજનીકાંત અને કમલ હાસને પણ દક્ષિણ સિનેમામાં સફળતા હાંસલ કર્યા બાદ રાજકારણમાં સફળ એન્ટ્રી કરી હતી. દેસિયા મુરપોક્કુ દ્રવિડ કઝગમ (DMDK)ના સ્થાપક અને મહાસચિવ વિજયકાંતે પણ અભિનયમાંથી રાજકારણમાં પ્રવેશ કર્યો હતો. હવે અભિનેતા આ દુનિયામાં નથી. એનટીઆરએ પણ અભિનયથી પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. ચાહકોના હાર્ટથ્રોબ બન્યા અને પછી રાજકારણમાં પણ સફળતા મેળવી. એટલું જ નહીં ચિરંજીવીના ભાઈ પવન કલ્યાણ પણ પોતાની પાર્ટી બનાવીને રાજકારણમાં સક્રિય છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500