ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પરીક્ષા તા.10 થી 25 મે દરમિયાન લેવાની છે ત્યારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા આ યાદીમાં છેડછાડ કરીને તા.15 થી 30 જુન દરમિયાન પરીક્ષા લેવાશે તેવી માહિતી સોશ્યલ મીડીયામાં ફરતી કરવામાં આવી હતી. જેના કારણે વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ચિંતા થઈ જવા પામી હતી. આ મામલે શિક્ષણ બોર્ડની ફરીયાદના આધારે સેકટર-7 પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી.
સોશ્યલ મીડીયાના જેટલા ફાયદા છે તેનાથી વધુ ગેરફાયદા પણ જોવા મળી રહયા છે જયારે કોઈ અજાણ્યા શખ્સ દ્વારા બોર્ડની પરીક્ષાના સમયમાં ફેરફાર કરાયો હોવાનો ખોટો મેસેજ સોશ્યલ મીડીયામાં ફરતો કરી વિદ્યાર્થીઓ અને વાલીઓની ચિંતામાં વધારો કરી દીધો હતો.
આ મામલે શિક્ષણ બોર્ડના સંયુકત નિયામક બહાદુરસિંહ સોલંકીએ સેકટર-7ના પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી કે, બોર્ડની કચેરી દ્વારા ગત તા.03 ફેબુ્રઆરીના રોજ સંયુકત નિયામક ડી.એન.રાજગોરની સહીથી અખબારી યાદી પ્રસિધ્ધ કરવામાં આવી હતી. જેમાં ધો.10 અને 12ની પરીક્ષા તા.10 થી 25 મે દરમિયાન યોજાશે તેવું જાહેર કરવામાં આવ્યું હતું.
ત્યારબાદ આ જ અખબારી યાદીમાં છેડછાડ કરીને કોઈ અજાણ્યા શખ્સે તા.1 એપ્રિલે સોશ્યલ મીડીયામાં યાદી ફરતી કરી હતી જેમાં તા.15 જુનથી 30 જુન દરમિયાન બોર્ડની પરીક્ષા લેવાશે તેવી ખોટી માહિતી વાઈરલ કરી હતી. આ મામલો કચેરીના ધ્યાને આવતાં ફરીયાદ કરવામાં આવી છે. સેક્ટર-7માં પોલીસે ગુનો નોંધી એલસીબી દ્વારા અજાણ્યા શખ્સની તપાસ હાથ ધરવામાં આવી હતી.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500