ગ્રીસનાં જંગલોમાં ભીષણ આગથી જનજીવન ઠપ ગઇ ગયું છે. આગ એટલી ભયાનક છે કે, રહેણાંક વિસ્તારો પણ તેની ચપેટમાં આવી ગયા છે. ગ્રીસ અને રોડ્સ આઇલેન્ડમાં ઇમરજન્સી લાગુ કરવામાં આવી છે. પાંચમા દિવસે પણ આગ યથાવત રહેતા સત્તાવાળાઓએ દરિયાકાંઠે આવેલા બે રિસોર્ટ સહિત કુલ ચાર સ્થળોને ખાલી કરવાનો આદેશ આપ્યો છે. ગ્રીક દ્વીપ રોડ્સનાં અધિકારીઓએ શનિવારે જણાવ્યું હતું કે, તેમણે જંગલની આગથી ખતરાનો સામનો કરી રહેલા 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડાયા છે. જેમાંથી 2 હજાર લોકોને સમુદ્ર દરિયાકાંઠાથી દૂર લઇ જવામાં આવ્યા છે.
પ્રવાસીઓ અને કેટલાક સ્થાનિક લોકોને દ્વીપ જીમ, શાળાઓ અને હોટેલ સંમેલન કેન્દ્રોમાં લઇ જવામાં આવ્યા છે. કોસ્ટ ગાર્ડ અને આર્મીના જવાનો ફસાયેલા લોકોને સલામત સ્થળે ખસેડી રહ્યાં છે. આગને અંકુશમાં લેવા માટે 200 ફાયર ફાઇટર્સ અને 40 ફાયર એન્જિનો કાર્યરત છે. આ ઉપરાંત ત્રણ વિમાન અને પાંચ હેલિકોપ્ટરોની પણ મદદ લેવામાં આવી રહી છે. સ્લોવેકિયાના 31 ફાયર ફાઇટર્સ પણ મદદ કરી રહ્યાં છે. લોકોનાં જણાવ્યા અનુસાર જંગલોની આગ રહેણાંક વિસ્તારો સુધી પહોંચી જવાને કારણે તેમને ભારે નુકસાન સહન કરવો પડી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અલ નીનોને કારણે યુરોપ હાલના દિવસોમાં ભીષણ ગરમી સહન કરી રહ્યું છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500