Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત ખાતર અને બિયારણ કિટ્સ વિતરણ કરાયું

  • May 25, 2022 

રાજ્ય સરકાર દ્વારા આદિજાતી વિકાસ વિભાગ હેઠળ ડેવલપમેન્ટ સપોર્ટ એજન્સી(ડીસેગ) મારફત વર્ષ ૨૦૧૨થી અમલમાં આવેલી કૃષિ વૈવિધ્યકરણની યોજનામાં દર વર્ષે રૂ. ૩૦ થી ૩૫ કરોડના ખર્ચે અંદાજે ૧ લાખથી વધુ આદિજાતિ ખેડૂતોને લાભ આપવામાં આવે છે. આ વર્ષે કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના ૧૪ જિલ્લાઓના ૧ લાખ ર૩ હજાર જેટલા આદિજાતિ ખેડૂતોને કૃષિ વૈવિધ્યકરણ યોજના ૨૦૨૨-૨૩ અન્વયે ખાતર-બિયારણ કિટ્સ વિતરણનો ગાંધીનગરથી વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો.




તાપી જિલ્લામાં ૧૧ લાભાર્થીઓને કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે શાકભાજીના બિયારણ અને ખાતર કિટ વિતરણ કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવાના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી.કાપડિયાની ઉપસ્થિતીમાં જિલ્લા સેવાસદનના સભાખંડમાં યોજવામાં આવ્યો હતો.




આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ સુરજ વસાવા ખેડૂતમિત્રોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં કૃષિ વૈવિધ્યકરણની યોજના અંતર્ગત ૮૨૦૧ લાભાર્થીઓ આ પ્રોજેકટ હેઠળ આવરી લેવામાં આવ્યા છે. રાજ્યસરકાર છેવાડાના આદિવાસીઓ માટે સતત ચિંતિત છે ત્યારે આપણા જિલ્લાના વિકાસ અને ખેડૂતોને આર્થીક રીતે સધ્ધર કરવા માંટે જિલ્લાના ૦ થી ૨૦ બી.પી.એલ સ્કોર ધરાવતા વધુમાં વધુ ખેડૂત લાભાર્થીઓ આ યોજનાનો લાભ લે એ જરૂરી છે.




રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં ૧૪૩ આશ્રમ શાળાઓને મકાન બાંધકામ માટે રૂ.૮૩.૯૬ કરોડનું પ્રોત્સાહક અનુદાન પણ એટ સિંગલ કલીક અર્પણ કર્યુ હતું. જે અન્વયે તાપી જિલ્લામાં આદિજાતી વિકાસ અધિકારી એચ.એલ.ગામીતે ઉપસ્થિત સૌને જણાવ્યું હતું કે, તાપી જિલ્લામાં ૧૭ આશ્રમશાળાઓને ૬૦-૬૦ લાખની ગ્રાંટ મંજુર કરી તેનો પ્રથમ હપ્ત્તો ૧૫ લાખ રૂપિયા ઓનલાઇન ડીપોઝીટ કરવામા આવ્યા છે. આશ્રમશાળાના મકાન બાંધકામ હેઠળ શૌચાલય, રસોડુ, સહિત તમામ સુવિધાઓ સંપન્ન મકાન બાંધકામ કરવામાં આવશે.




કૃષિ વૈવિધ્યકરણની આ યોજનાનો લાભ મેળવેલ તાપી જિલ્લાના વ્યારા તાલુકાના બાલપુર ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રવિણભાઇ કિશનભાઇ ગામીતે જણાવ્યું હતું કે, “સરકારશ્રી દ્વારા આજે અમને કૃષિ વૈવિધ્યકરણની આ યોજનામાં ખાતર અને બિયારણ વિતરણ કરવામાં આવ્યું છે. બિયારણ ઉચ્ચ ગુણવત્તાનું હોવાથી અને ઓર્ગેનિક ખાતર હોવાથી પાક સારો થાય છે અને અમારી આવકમા વધારો થાય છે. આ યોજના માટે અમે સરકારશ્રીના અને તાપી જિલ્લા વહીવટી તંત્રના આભારી છીએ.”




અત્રે ઉલ્લેખનિય છે કે, કૃષિ વૈવિધ્યકરણની આ યોજના અંતર્ગત આ વર્ષે ખરિફ સિઝન માટે આદિજાતિ ખેડૂતોને ખાતર-બિયારણ કિટ્સ વિતરણ દર વર્ષે કરવામાં આવે છે. જેમાં ઉત્તર અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં મકાઇનું બિયારણ અને ખાતર કિટ જ્યારે દક્ષિણ ગુજરાતના ૭ જિલ્લાઓમાં સુધારેલા શાકભાજીના બિયારણ અને ખાતર કિટ વિતરણ કરવામાં આવે છે. આ કીટ બજારમાં ૩ થી ૪ હજારમાં મળે છે.




જ્યારે આ યોજના હેઠળ લાભાર્થીઓને કીટ ફક્ત ૨૫૦ રૂપિયામાં સરકારશ્રી દ્વારા આપવામાં આવે છે. આદિજાતિ ખેડૂતોને હવે કચેરી સુધી અરજી માટે જવું ના પડે તેમજ ઘરે બેઠા પોતાની અરજીની વિગતો જાણી શકે તેવી આ પારદર્શી પદ્ધતિમાં રજીસ્ટ્રેશનથી લઇને લાભ મંજૂરી સુધી સમગ્ર બાબતો ઓનલાઇન કરવામાં આવી છે. આ યોજનાનો લાભ લેવા https://dsagsahay.gujarat.gov.in/ વડે ઓનલાઇન અરજી ગ્રામપંચાયતના વી.સી.ઇ. મારફત, કોમન સર્વીસ સેન્ટર, સાયબર કેફે અથવા સ્માર્ટ ફોન દ્વારા ઘર બેઠા ફોર્મ ભરી શકાય છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application