રાજ્યના નાગરિકોને શુદ્ધ અને ગુણવત્તાયુક્ત ખાદ્યપદાર્થો મળી રહે તે માટે રાજ્ય સરકાર હરહંમેશ પ્રયત્નશીલ છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મસાલા સહિતની જીવનજરૂરી ખાદ્ય ચીજવસ્તુઓનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. આ પરીક્ષણ દરમિયાન ખાદ્યપદાર્થોમાં કોઈ ભેળસેળ જણાય તો તેવા તત્વો સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે છે.
તાજેતરમાં જ મોરબી જિલ્લાના હળવદ ખાતે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમ દ્વારા વરિયાળીમાં થતું ભેળસેળનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું છે, જેમાં વરીયાળી અને કલરનો મળી રૂ. ૧.૧૩ કરોડની કિંમતનો આશરે ૫૯ હજાર કિલોગ્રામ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનર ડૉ. એચ. જી. કોશિયાએ જણાવ્યું છે. ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરશ્રીના જણાવ્યા અનુસાર, મોરબી જિલ્લાના હળવદ તાલુકાના અવધ ઇન્ડસ્ટ્રીયલ એરીયામાં હિતેષભાઇ મુકેશભાઇ અગ્રવાલ નામનો વ્યક્તિ વરીયાળીમાં કલર ભેળવી ભેળસેળવાળી વરીયાળી બનાવીને વેચાણ કરતો હોવાની બાતમી મળી હતી. જેના આધારે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-મોરબી અને લોકલ ક્રાઇમ બ્રાન્ચ-મોરબીની સંયુક્ત ટીમ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરી વરિયાળીમાં અખાદ્ય કલર ભેળવવાનું કૌભાંડ પકડી પાડવામાં આવ્યું હતું.
આ તપાસ દરમિયાન સ્થળ પર હલકી ગુણવત્તાની આખી વરિયાળી પર કલર ચડાવી ભેળસેળ કરી ભેળસેળવાળી વરિયાળીનું ઉત્પાદન કરી વેચાણ થતું જોવા મળ્યું હતું, તેમજ સ્થળ પર ભેળસેળ કરવા માટેના અખાદ્ય કલર પણ મળી આવ્યા હતા. વધુમાં જણાવ્યાનુસાર આ પેઢી કોઇપણ પ્રકારના ફુડ પરવાના વગર ગેરકાયદેસર ધંધો કરતી હતી તેમજ ભેળસેળવાળી વરીયાળી દિલ્હી તથા અન્ય રાજ્યોમાં વેચાણ કરતી હોવાનું બહાર આવ્યું હતું.
તપાસ દરમિયાન સ્થળ પર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા વરિયાળીનાં ૩ અને કલરનાં ૩ મળી કુલ- ૬ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત વરિયાળીનો અંદાજિત રૂ. ૧.૧૧ કરોડની કિંમતનો ૫૬ હજાર કિલોગ્રામ જેટલો જથ્થો અને રૂ. ૧.૮૨ લાખની કિંમતનો આશરે ૩ હજાર કિલોગ્રામ કલરનો જથ્થો મળી કુલ રૂ. ૧.૧૩ કરોડનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. ભેળસેળવાળી વરીયાળી બનાવનાર હિતેષભાઇ મુકેશભાઇ અગ્રવાલને પોલીસ અટકાયત કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમજ ફૂડ સેફટી ઑફિસરો દ્વારા નમુના લઇ પૃથ્થકરણ અર્થે ફૂડ લેબોરેટરી ખાતે મોકલી આપ્યા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500