રાજ્યમાં દારૂબંધી હોવા છતા સુરતમાં દારૂનો વેપલો ચાલતો હોય તેવી લોકચર્ચા છે. આરોપ છે કે શહેરના અલગ-અલગ વિસ્તારમાં બુટલેગરો હાલ પણ સક્રિય છે અને પોલીસ અને કાયદાના ડર વિના તેઓ બેફિકર થઈને દારૂની હેરાફેરી અને વેચાણ કરે છે. ત્યારે આ વચ્ચે શહેરના પાંડેસરા વિસ્તારમાંથી એક આશ્ચર્યજનક ઘટનાનો વીડિયો સામે આવ્યો છે.હાલ સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જે સુરતના પાંડેસરા વિસ્તારનો હોવાનું કહેવાઈ રહ્યું છે.
આ વીડિયોમાં એક કથિત પત્રકારને મહિલા બુટલેગરો દ્વારા માર મારવામાં આવી રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, પાંડેસર વિસ્તારમાં મોટા પ્રમાણમાં દારૂનું વેચાણ કરતા બુટલેગરો સક્રિય છે. ત્યારે બૂટલેગરો પાસેથી રૂપિયાની ઉઘરાણી કરી તોડ કરનારાઓ પણ સક્રિય થયા છે. ત્યારે લક્ષ્મીનગરનો એક વીડિયો સામે આવ્યો છે. એવું કહેવાઇ રહ્યું છે કે આ વીડિયોમાં દેખાતો એક કથિત પત્રકાર સૂરજ તેના મિત્ર કિશોર સાથે મહિલા બુટલેગર રમીલા પાસે રૂપિયા લેવા માટે ગયો હતો.
ઘટનાનો વીડિયો વાયરલ થયો
આરોપ છે કે,કથિત પત્રકાર સૂરજ બુટલેગર મહિલાઓ પાસેથી સાપ્તહિક ન્યૂઝ પેપરના નામે સતત રૂપિયાની ઉઘરાણી કરતો હતો અને દર વખતે માગણી વધરાતો હતો. આથી ઉઘરાણીથી ત્રસ્ત થઈને આખરે મહિલા બુટલેગરે કથિત પત્રકારને જાહેરમાં બરાબરનો મેથીપાક ચખાડ્યો હતો. ત્રણ મહિલાઓએ કથિત પત્રકારને લાકડાના દંડા વડે માર માર્યો હતો. આ ઘટનાનો એક વીડિયો હાલ ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ મામલે પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500